ગુજરાતઃ ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર કરાઈ
અમદાવાદઃ ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે તેમની રજૂઆતોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ પાંચ હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર નક્કી કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂ. 350 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત 27700 હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે આગામી સમયમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ લેવામાં આવશે.
ભૂંડ, રોઝ અને નીલ ગાય જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના અમલમાં મૂકી હતી. આ યોજનાને વધુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે તેમાં ઘણા સુધારાઓ પણ કરવામાં આવ્યા, અને આજે વધુ એક નવો સુધારો કરવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.