અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટે ચડ્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં લોકોના મોત થયાં હતા. કોરોના મહામારીમાં જે દર્દીઓએ ઓક્સિજન અને વેન્ટિલેટર મારફતે સારવાર લેનારા દર્દીઓને ડિસેમ્બર સુધી કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે લોકોને કોરોનાના કારણે પહેલેથી ફેફસાં ડેમેજ થયાં છે તેમને કોરોનાની ત્રીજી લહેરમાં જોખમ યથાવત રહવાની શકયતાઓ તબીબોએ વ્યક્ત કરી હતી. મહત્તમ લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી છે અને રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. આ લોકોને ત્રીજી લહેરમાં કોરોનાની નહિવત અસર જોવા મળશે
અમદાવાદના જાણીતા પલ્મોનોલોજિસ્ટના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસ ફેફસાંને કાયમી ડેમેજ કરે છે. ફેફસાંની 100 ટકા રિકવરી તો ભાગ્યે જ આવી શકે છે. દવાઓના કારણે 50થી 60 ટકા સુધી ફરક પડી શકે છે અને તેની રિકવરી આવતા પણ 3થી 12 મહિનાનો સમય લાગી શકે છે. એક અંદાજ મુજબ કોરોનાના 100 દર્દીઓ પૈકી 40 દર્દીઓના ફેફસાં કાયમી ડેમેજ થવાના કારણે રિકવરીની દવા લઈ રહ્યાં છે. જોકે તેનું પરિણામ એક હદ કરતા વધારે મળી શકે નહીં. આવા દર્દીઓ ત્રીજી લહેર માટે સોફ્ટ ટાર્ગેટ છે. આ માટે ખાસ આવા દર્દીઓએ હજૂ ડિસેમ્બર મહિના સુધી એટલે કે, ત્રણ મહિના કોરોના ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવુ જ હિતાવહ અને અતિઆવશ્યક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ ફેફસાંના વાયુકોષો પર એટેક કરી દીવાલ તોડે છે. આ વાયુકોષો વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી શરીર સુધી પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઈડને બહાર કાઢે છે. વાઈરસના કારણે વાયુકોષોમાં ફાઈબ્રોસિસ પેદા થતા તે પારદર્શક રહેતા નથી. આ તસવીરો 35થી 40 વર્ષના એવા દર્દીઓની છે જેમનાં ફેફસાંને કોરોનાથી સાજા થયા પછી પણ કાયમી ડેમેજ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના વડા ડૉ. પંકજ અમીને કહ્યું કે, કોરોનાથી જેમનાં ફેફસાં ડેમેજ થયાં છે તે મોટાભાગે નોન રિવર્સેબલ છે. તેમના વર્તમાન એમઆરઆઈ અને સિટી સ્કેન રિપોર્ટમાં ફેફસાંમાં પેચ જોવા મળી રહ્યાં છે.
(Photo-File)