ગુજરાત: સિંગતેલના ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો વધારો, કપાસિયા તેલનો ભાવ 20 રૂપિયા વધ્યો
- ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો
- સિંગતેલના ડબ્બામાં 40 રૂપિયાનો વધારો
- કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો
રાજકોટ: ગુજરાતમાં ખાદ્યતેલમાં ભાવમાં વધારો થતા હવે લોકોને વધારે આર્થિક રીતે તકલીફ પડવાની પુરેપુરી સંભાવના છે. જાણકારી અનુસાર ગુજરાતમાં ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લા 3 દિવસમાં સિંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે.
ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત ત્રણ દિવસથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પ્રકારનો અંકુશ નથી. ચાર દિવસ પહેલા જ સિંગતેલમાં 30 રૂપિયાનો અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. તો પામ તેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો, સોયાબીનમાં 10 રૂપિયા ભાવ વધારો, સનફ્લાવર ઓઈલમાં 10 રૂપિયા ભાવ વધારો અને મકાઈના તેલમાં 15 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. છતા ચાર દિવસમાં ફરીથી તેલના ભાવ વધ્યા છે.
સૌરાષ્ટ્રમાં મગફળીની દૈનિક આવક વધી છતાં સિંગતેલમાં ભાવ વધારો થયો છે. સિંગતેલમાં છેલ્લા 3 દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલના ડબ્બાના ભાવ 2420 ની આસપાસ પહોંચ્યા છે. સૌરાષ્ટ્રની મિલોમાં સીંગતેલનું દૈનિક ઉત્પાદન 300 ટન છે. સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2350ની આસપાસ પહોંચ્યો છે.
પામતેલનો ડબ્બો 2200 રૂપિયા, સોયાબીન તેલનો ડબ્બો 2250 થી 2300 રૂપિયા, સનફ્લાવર્સ તેલનો ડબ્બો 2150 રૂપિયા અને મકાઈના તેલનો ડબ્બો 2080 રૂપિયા પર પહોંચ્યો છે.