અમદાવાદઃ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ રૂ. 180ને બદલે રૂ. 200 આપવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે. આ જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ. 50 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂ. 150 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી.
રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને ફ્રેઇટ ઓન બોર્ડ પ્રતિકિલો રૂ. 180થી વધારીને રૂ. 200 કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 6 માસ માટે રૂ. 50 પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે. એટલું જ નહિ, FOB ભાવ પરિવહન ખર્ચ સાથે રૂ. 200 પ્રમાણે આપવાનો નિર્ણય તેમણે કર્યો છે.
મુખ્યમંત્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો FOB ભાવ રૂ. 200થી વધીને રૂ. 210 થાય તો, નિકાસ સહાય રૂ. 50થી ઘટીને રૂ. 40 થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ. 50 પ્રતિ કિ.ગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂ. 150 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય કરાયો છે.