ગુજરાતઃ ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરાયું, 1.26 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ 2023માં લેવાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ધો-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રુપ એના 488 અને ગ્રુપ બીના 781 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક જાહેર કર્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર એન્જિનિયરિંગ અને ફાર્મસીમં પ્રવેશને લઈને એપ્રિલ 2023માં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પરીક્ષામાં A અને B ગ્રૂપમાં 130,788 વિદ્યાર્થીઓ નોંધાયાં હતા. જે પૈકી 1,26,605 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજકેટની પરીક્ષા ગ્રુપ-બીના સૌથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી. દરમિયાન આજે ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રૂપ A માં 488 વિદ્યાર્થીઓ તથા ગ્રૂપ B માં 781 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઈલ રેન્ક હાંસલ કર્યાં હતા. 90 પર્સેન્ટાઈલ રેન્ક ધરાવતા A ગ્રુપ માં 4844 તેમજ B માં 7,967 વિદ્યાર્થીઓ રહ્યા છે. આજે મંગળવારે સવારે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યાં બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ધો-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજકેટના પરિણામને એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં માધ્યમિક શિક્ષિણ બોર્ડ દ્વારા આજે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. જે બાદ એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવશે. બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ધો-12 સામાન્ય પ્રવાહ અને ધો-10ની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવશે.