અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-10ની પરીક્ષાનું પરિણામ તા. 25મી મેના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ ઉપર વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયાં ધો-10ના પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારજનો ધો-10ના પરિણામની આતુરતાથી રાહ જોતા હતા. તેમની આતુરતાનો અંત આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવા માટે બોર્ડ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી ધો-10 અને ધો-12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી. ધો-10ની પરીક્ષા 28મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. ધો-10ની પરીક્ષામાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા હતા.
બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધો-10 અને 12ની ઉત્તરવહીઓ ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉત્તરવહીની ચકાસણી બાદ માર્કશીટ તૈયાર કરીને પરિણામ જાહેર કરવાની કામગીરી તેજ કરવામાં આવી હતી. હવે ધો-10ની પરીક્ષાનું પરિણામ તા. 25મી મેના રોજ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ગુણચકાસણીની અરજીઓ ઓનલાઈન કરી શકશે. પરિણામ જાહેર થયા બાદ ધો-11 અન્ય અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ધોરણ 12 સાયન્સનું તાજેતરમાં જ પરિણામ જાહેર થયું હતું. સમગ્ર રાજ્યનું 65.58 ટકા પરિણામ આવ્યું હતું. અમદાવાદ શહેરનું 65.52 ટકા અને ગ્રામ્યનું 69.92 ટકા પરિણામ આવ્યું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં 7% ઘટાડો થયો હતો. આ વખતે ધોરણ 12 સાયન્સનું બોર્ડનું પરિણામ 65.58 ટકા આવ્યું હતો. જ્યારે ગયા વર્ષે બોર્ડનું પરિણામ 72 ટકા આસપાસ રહ્યું હતી.