ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિકના મોહમ્મદ કૈફે કર્યા વખાણ, કેપ્ટન તરીકે 100 માર્કસ આપ્યાં
મુંબઈઃ હાલ આઈપીએલ ચાલી રહી છે દરમિયાન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સએ લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઇટન્સ (GT)એ તેમની 10 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે ગુજરાત ટાઇટન્સ (GT) 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના આ પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયો છે અને કૈફે કેપ્ટન હાર્દિક પંડ્યાની પ્રશંસા કરી હતી.
પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને 100માંથી 100 આપીશ. હાર્દિક પંડ્યા ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ભાગ હતો. પરંતુ IPL મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ પંડ્યાને રિલીઝ કર્યો હતો. જે પછી ગુજરાત ટાઇટન્સ (GT) એ હાર્દિક પંડ્યાને ડ્રાફ્ટ પિક તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સ (GT)એ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો ત્યારે પંડ્યાની કેપ્ટનશિપ પર ઘણા સવાલો ઉભા થયા હતા. પરંતુ આ સિઝનમાં હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. લીગ તબક્કામાં 10 મેચ જીતીને, ગુજરાત ટાઇટન્સ (GT) 20 પોઈન્ટ સાથે ટેબલ ટોપ ઉપર રહ્યું છે.
મોહમ્મદ કૈફે કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ (જીટી)ની સફળતામાં કેપ્ટન હાર્દિક પંડ્યાનું ખૂબ મહત્વનું યોગદાન છે. કેપ્ટન તરીકે હાર્દિકને 100 ટકા નંબર આપીશ. મિડ-ઓફમાં ફિલ્ડિંગ કરતી વખતે તે પોતાના બોલર સાથે વાત કરતો રહે છે. જ્યારે બોલરો દબાણમાં હોય છે ત્યારે કેપ્ટન પંડ્યા બોલર સાથે વાત કરે છે. સુકાની અને બોલરો વચ્ચે સારી તાલમેલ છે. સિઝનમાં હાર્દિક પંડ્યાએ બોલ અને બેટથી પણ પોતાની ટીમમાં જીતની મહત્વની ભૂમિકા ભજવી છે.