ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદના પ્રથમ રાઉન્ડે અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. સુકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ થયો છે. જેના પરિણામે પીવાના પાણની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેના પાણી તંગી પણ દૂર થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 19 ઈંચ સાથે સિઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં રાજ્યમાં 46 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર છે. સરદાર સરોવરમાં 52 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગામી શુક્રવારથી વરસાદના બીજા રાઉન્ડની આગહી કરી છે.
રાજ્યમાં હાલ સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. સોમવારે સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના ચોટિલામાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારે પણ 155 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં અમદાવાદના ધોળકામાં 3 ઈંચ, મહેસાણાના કડીમાં બે ઈંચ, રાધનપુરમાં દોઢ ઈંચ, જ્યારે ભાભર, ખેરગામ અને ધોલેરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવે શુક્રવારથી વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભ થશે. તેવી હવામાન વિભાગે આગાહી કરતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. હાલમાં રાજ્યમાં 46 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર છે. સરદાર સરોવરમાં 52 ટકાથી વધુ પાણીનો જથ્થો છે.
રાજ્યના કચ્છ ઝોનમાં સીઝનના પ્રથમ રાઉન્ડમાં જ 103 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 57.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 44.82 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 32.40 ટકા વરસાદ પડ્યો છે.