અમદાવાદઃ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ”ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર , ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસયટીના માર્ગદર્શક વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે, વિશ્વ સેવાદ કેન્દ્ર દ્વારા “ સપ્તરંગ ફિલ્મ સોસાયટી” ની શરૂઆત ગુજરાતી સિનેમાનાં ઉત્કર્ષ અને તેની સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓને યોગ્ય સન્માન અને યોગ્ય મંચ મળી રહે એ માટે કરી છે. આ ફિલ્મ સોસાયટી ભારતીય ચિત્ર સાધના, દિલ્હી સાથે સંલગ્ન છે.
ગુજરાતમાં બનનારી શોર્ટ ફિલ્મો માટે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ”નું આયોજન ૧૯ અને ૨૦ ઓક્ટોબર 2024 ના રોજ ડૉ . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે તેમના સહયોગ થી કરવામાં આવ્યું છે. “સપ્તરંગ શોર્ટફેસ્ટ”માં માત્ર આપણા દેશમાંથી નહિ પરંતુ વિદેશમાંથી પણ ફિલ્મની એન્ટ્રી આવી છે. કુલ ૨૭૭ ફિલ્મ આવી છે જેમાંથી ૧૮૧ શોર્ટ ફિલ્મ, ૬૩ ડોકયુમેન્ટરી ફિલ્મ, રર કેમ્પસ ફિલ્મ અને 11 એનિમેશન ફિલ્મ આપણને મળેલ છે .
કાર્યક્રમની વિગત વિજયભાઈએ કહ્યું કે “સપ્તરંગ શોર્ટફેસ્ટ”માં ૩ માસ્ટર ક્લાસ રાખવામાં આવ્યા છે. આ માસ્ટર ક્લાસમાં પ્રથમ માસ્ટર ક્લાસ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેકટર વિપુલભાઈ શાહ અને દ્વિતીય માસ્ટર ક્લાસ ગુજરાતનાં જાણીતા દિગ્દર્શક વિજયગીરી બાવા જેમણે કસુંબો ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું અને અંતિમ માસ્ટર ક્લાસ કે જે ૨૦ તારીખે છે જાણીતા લેખક અને દિગ્દર્શક ર્ડા ચંદ્રપ્રકાશ દ્વિવેદી લેવાના છે. ફિલ્મ સ્ક્રિનિંગ માટે ગુજરાતનાં ત્રણ મહાન કલાકારો જયશંકર સુંદરી, ઉપેન્દ્ર ત્રિવેદી અને અવિનાશ વ્યાસનાં નામ સાથે જોડીને ત્રણ થિએટર્સ બનાવામાં આવ્યા છે.
એવોર્ડ સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભવિષ્યના ફિલ્મ મેકર્સને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ઉપસ્થિત રહેવાના છે.