અમદાવાદઃ રાજ્ય સરકાર રવી પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. આ પાકમાં તુવેર,ચણા અને રાયડાનું મબખલ ઉત્પાદન થયું છે. રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી કરશે. જેમાં તા. 15 ફેબ્રુઆરીથી તુવેરની ખરીદી શરૂ થશે જ્યારે 1 માર્ચથી ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદ પ્રક્રિયા ગુજરાત સ્ટેટ કોપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા થશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિમંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હતી. ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ 2021-22 માં તુવેર માટે રૂ. 1260 પ્રતિ 20 કી.ગ્રા(મણ), ચણા માટે રૂ. 1050 પ્રતિ 20 કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂ. 1010 પ્રતિ 20 કી.ગ્રા(મણ) લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરેલા છે. રાજયમાં ખરીફ/રવિ સીઝન 2021-22માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા. 15મી ફેબ્રુઆરી અને ચણા-રાયડાની ખરીદી તા. 1લી માર્ચથી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી.,અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.
તેમણે જણાવ્યું કે, લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા. 1લી ફેબ્રુઆરીથી તા. 28મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. તે મુજબ તમામ ખેડૂતોએ નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.