અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને માછીમારો હવે તા. 31મી જુલાઈ સુધી દરિયામાં માછીમારી કરવા જઈ શકશે નહીં. આ અંગે મત્સ્યવિભાગે પરિપત્ર જાહેર કરીને નિર્દેશ કર્યો છે. જેથી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ફિશરીંગ બોટ લંગારવામાં આવી રહી છે. પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં ફીશરીંગ બોર્ડ લંગારવામાં આવી છે. બે મહિના વેકેશન બાદ માછીમારો અષાઢી બીજના પાવન પર્વ ઉપર દરિયા દેવની પૂજા કરીને દરિયામાં માછીમારી કરવા જશે. બે મહિનાના સમયગાળામાં માછીમારો પોતાની બોટના સમરકામ સહિતની કામગીરી પૂર્ણ કરશે.
મત્સ્યવિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં માછીમારીની સીઝન 31મેના રોજથી 31 જુલાઈ સુધી પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આ સમય દરમિયાન માછલીઓ ઇંડા મૂકતી હોય છે અને આ સમય માછલીઓનો ફીડીંગ સમય હોઈ તે દરમિયાન માછીમારી કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આથી માછીમારો આગામી 31મી જુલાઇ સુધી દરિયો ખેડી નહીં શકે. ફીશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની કડક અમલવારી કરવા અનુરોધ કરાયો છે. જેના કારણે પોરબંદરના બંદર પર બોટ્સનો ખડકલો થવા માંડ્યો છે અને આગામી 2 મહિના દરમિયાન માછીમારો પોતાની બોટ્સમાં રીપેરીંગ કામ, અને રંગકામ કરે છે અને 31મી જુલાઇ પછી ફરી માછીમારી શરૂ કરવામાં આવતા માછીમારો અષાઢી બીજના દિવસે દરિયાદેવનું પૂજન કરીને નવી સીઝનની શરૂઆત કરતા હોય છે. માછીમારો દરિયામાં લાંબા સમય સુધી રહેતા હોવાથી બોટમાં કોઈ ટેકનિકલ સમસ્યા ઉભી ના થાય તે માટે હાલ તેના સમારકામ સહિતની કામગીરીમાં જોતરાશે.
(PHOTO-FILE)