ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ તાલાલા ગીરમાં ભૂકંપના બે આંચકા આવ્યાં
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે ગીર સોમનાથ જિલ્લામાં સવારે ભૂકંપના બે આંકચા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં સવારે 4 અને 3.2ની તીવ્રતાનો ભૂકંપના બે આંચકા આવ્યાં હતા. વેરાવળથી 25 કિમી દૂર તાલાલા ગામમાં લોકોએ ભૂકંપનો અનુભવ થયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે, ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ગાંધીનગરમાં ઈન્સ્ટીટ્યુટ ઓફ સીસ્મોલોજિક્સ રિસર્ચના જણાવ્યા અનુસાર 4ની તીવ્રતાનો ભૂકંપનો પહેલો આંચકો 6.58 કલાકે નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ તલાલાથી 13 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં નોંધાયું હતું. આ ઉપરાંત 3.2ની તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સવારે 7.04 કલાકે નોંધાયેલા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલા નજીક ઉત્તર-પૂર્વમાં નોંધાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. એટલું જ નહીં જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. કચ્છમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે.