અમદાવાદઃ મુખ્યમંત્રી મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મંત્રીમંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા વધુ કુલ-152 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. તેમ,પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂન-2017થી બાંધકામ શ્રમિકોને રૂ. 5/- ના નજીવા દરે ગુણવત્તાસભર પૌષ્ટિક ભોજન આપતી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કાર્યરત છે. આ યોજના હેઠળ શ્રમિકોને ભોજનમાં કઠોળ, શાક, રોટલી,ગોળ, અથાણું, મીઠાઈમાં એકવાર સુખડી, શીરો વગેરે તેમજ ભાત પીરસવામાં આવે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ષ-2022માં અમદાવાદ અને ગાંધીનગર ખાતે કુલ-22 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં શ્રમિકો માટે રાજ્યભરમાં 118 ભોજન વિતરણ કેન્દ્રો કડીયાનાકા પર કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ઓક્ટોબર 2023 સુધીમાં ૫૨ લાખથી વધુ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે જે અંતર્ગત વર્ષ 2022-23 અને વર્ષ 2023-24માં કુલ રૂ. 23 કરોડથી વધુનો ખર્ચ થયો છે.
મંત્રીએ કહ્યું હતું કે,આગામી સમયમાં શરૂ થનાર નવા ભોજન વિતરણ કેન્દ્રોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 49, સુરત-22, જામનગર -10, વડોદરા- 9, ગાંધીનગર- 8, પાટણ-7, નવસારી અને મોરબીમાં 6-6, બનાસકાંઠા અને રાજકોટમાં 5-5, વલસાડ, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણામાં 4-4, ભરૂચ -3 તેમજ ભાવનગરમાં- 2 એમ કુલ -152નો સમાવેશ થાય છે. જેનો દૈનિક 50 હજાર કરતાં વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે તેમ, પ્રવક્તા મંત્રીએ વિગતો આપતાં કહ્યું હતું.