Site icon Revoi.in

ગુજરાતઃ નવી બાયોટેકનોલોજી પોલિસી હેઠળ 500થી વધુ ઉદ્યોગોને સહાય કરાશે

Social Share

અમદાવાદઃ ચાલુ નાણાકીય વર્ષના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંજુર થયેલ રૂ. 563.21 કરોડના બજેટ કરતાં રૂ. 106.51 કરોડ એટલે અંદાજે 19 % જેટલી વધારે છે. બાયોટેક્નોલોજી ક્ષેત્રે થઈ રહેલ સંશોધનો અને ઇનોવેશનને ઔદ્યોગિક વિકાસમાં પરિવર્તિત કરવા, ગુજરાતમાં સ્વરોજગારીની તકો ઊભી કરવા અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે નવી બાયોટેક્નોલોજી પોલિસી (2022-27) જાહેર કરેલ છે. આ પોલિસી દ્વારા 500 થી વધુ ઉદ્યોગોને સહાય આપવાની અને અંદાજે 1.20 લાખ જેટલા રોજગારીના અવસરો ઊભા કરાશે. આ પોલિસીમાં ઉદ્યોગોને કુલ મૂડી રોકાણના 25 %  સહાય આપવામાં આવશે. જે અન્વયે 200 કરોડથી ઓછા મૂડી રોકાણવાળા MSME  ઉદ્યોગોને 40 કરોડની મર્યાદામાં અને 200 કરોડથી વધુ રોકાણવાળા ઉદ્યોગોને મહત્તમ 200 કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ડિઝાઇન અને મેનુફેક્ચરિંગનું હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે નવા ઉદ્યોગોને આકર્ષવા રાજ્ય સરકારે બજેટમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) સ્થાપના કરવાની જાહેરાત કરી છે. જેના હેઠળ ટૂંક સમયમાં જાહેર થનાર નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસી (2022-27)નું અમલીકરણ કરવામાં આવશે.  ગુજરાત વેપાર-વાણિજ્ય માટે તો જાણીતું રહ્યું જ છે પરંતુ હવે વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે પણ ભાર આપી,રાજ્યને નોલેજ બેઝ્ડ સોસાયટી બનાવવાના પ્રયાસરૂપે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ ગુજકોસ્ટની અને સાયન્સ સિટીની રચના કરવામાં આવી છે.  તાજેતરમાં વૈશ્વિક કક્ષાની બે ગેલેરીઓ – રોબોટિક્સ અને એકવેટિક ગેલેરી તથા નેચરપાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા છે. માનવ અને જૈવિક વિજ્ઞાન ગેલેરી સાયન્સ સિટી ખાતે વિકસાવવા માટે રૂ. 45 કરોડની નવી બાબતનો વર્ષ 2022-23ના અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોજના બે હજારથી વધુ મુલાકાતીઓની સરેરાશથી છેલ્લા 8 મહિનામાં અંદાજે 5 લાખથી વધુ લોકોએ સાયન્સ સિટીની મુલાકત લીધેલ છે.

ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરના ચાર અત્યાધુનિક પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો રાજકોટ, ભાવનગર, પાટણ  અને ભુજ ખાતે લોકનિદર્શન હેતુ ટૂંક સમયમાં ખુલ્લા મૂકવામાં આવશે. અન્ય ૩ મહાનગરો સુરત, જામનગર અને જુનાગઢ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે. ગુજરાત સરકાર દ્વારા અન્ય 25 જિલ્લાઓ ખાતે પણ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રો સ્થાપવાની જાહેરાત વર્ષ 2022-23ના બજેટમાં કરવામાં આવી છે. જે માટે રૂ. 25 કરોડની જોગવાઈઆગામી નાણાકીય વર્ષ માટે કરવામાં આવી છે. 8 પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો, ૨૫ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રો અને સાયન્સસિટી સહિતનું વિશાળ વિજ્ઞાન કેન્દ્રોનું નેટવર્ક સમગ્ર દેશમા બીજે ક્યાંય નથી.