Site icon Revoi.in

ગુજરાત યુનિ. દ્વારા પીજીના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ ગમે ત્યારે ઓનલાઈન પરીક્ષા આપી શકશે

Social Share

અમદાવાદઃ કોરોનાના કાળે શિક્ષણમાં પણ ઘણો બદલાવ લાવી દીધો છે. જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હતી જે હવે કાયમ કરવાનો ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. હવે UGના વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન આપી શકશે. જ્યારે પીજીના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે, એટલે કે વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ગમે તે સમયે પરીક્ષા આપી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને કારણે માર્ચ 2020થી શિક્ષણ ક્ષેત્રમાં અનેક પરિવર્તન આવ્યા છે, જેમાં પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર થયા છે. કોરોના દરમિયાન ઓફલાઇન પરીક્ષા શક્ય ન હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેસ ઘટતા ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા એમ 2 વિકલ્પ આપવામાં આવ્યા હતા.જે વિકલ્પ આપવાની પદ્ધતિ હજુ યથાવત જ રાખવામાં આવી છે. 24 નવેમ્બરથી ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થશે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો છે પરંતું વિદ્યાર્થીઓની પરીક્ષા ઈચ્છે તો ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન પરીક્ષા પણ આપી શકશે.

ગુજરાત યુનિના પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, PGના વિદ્યાર્થીઓએ માટે પણ કોરોના બાદ નવી પદ્ધતિ શરૂ કરી છે. PGના કોર્ષમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ઈચ્છે ત્યારે અને કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએથી પરીક્ષા આપી શકશે.પરીક્ષા માટે કોઈ સમય કે સ્થાન નક્કી કરવામાં નહીં આવે વિદ્યાર્થીઓ તૈયારી કરીને પરીક્ષા આપવાનો નિર્ણય કરી શકે છે ત્યારે વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવશે. આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે પરંતુ ઓન ડિમાન્ડ નો વિકલ્પ આપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ હતું કે કોરોના બાદ ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ સામે આવ્યો છે જે હવે યથાવત જ રાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો સમય ન બગડે. UGના વિદ્યાર્થીઓએ નક્કી કરેલા સમય પર ઓનલાઇન કે ઓફલાઇન પરીક્ષા આપી શકશે.વિદ્યાર્થી પાસે 2 વિકલ્પ હશે. જ્યારે PGના વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરીને અડધી રાતે પણ પરીક્ષા આપી શકશે, જેમાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે.