Site icon Revoi.in

ગુજરાત યુનિ. સંલગ્ન ગ્રાન્ટેડ લો કોલેજના સંચાલકો 8000 ફીમાં ખાનગી વર્ગ ચલાવવા તૈયાર નથી

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ લો કોલેજોમાં એક વર્ગ સ્વનિર્ભર ધોરણે ચલાવવા માટે યુનિ.એ મંજુરી આપી છે. આ ખાનગી વર્ગો માટે વિદ્યાર્થીદીઠ 10 હજારની ફી લેવા કોલેજ સંચાલકોએ માગણી કરી હતી, જ્યારે ગુજરાત યુનિ.ના સત્તાધિશોએ એબીવીપીના દબાણમાં વિદ્યાર્થીદીઠ રૂપિયા 8000ની ફી લેવાની મંજુરી આપતા લો કોલેજના સંચાલકો હવે ખાનગી વર્ગ ચલાવવા તૈયાર નથી. આથી કોકડું ગુંચવાયું છે. ગ્રાન્ટડ કોલેજોમાં માત્ર 420 બેઠકો જ ઉપલબ્ધ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ગત વર્ષે 3 વર્ષના LLBની 1800 જેટલી બેઠક હતી, પરંતુ આ મામલો કોર્ટમાં જતા હવે 420 બેઠક જ બચી છે. હાઇકોર્ટ દ્વારા કોલેજને હાઈબ્રીડ મોડમાં LLB ભણાવવા મંજૂરી આપવામા આવી છે. હાઈબ્રીડ મોડમાં કોલેજ ચલાવવી હોય તો કોલેજે ખર્ચ ઉઠાવવો પડે જેથી કોલેજ દ્વારા યુનિવર્સિટી પાસે 10,000 રૂપિયા ફીની માંગ કરી હતી. આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક સિન્ડિકેટ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં છ સિન્ડિકેટ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ABVP દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. ABVPએ કુલપતિ અને સિન્ડિકેટ સભ્યો પાસે માંગણી કરી હતી કે હાઈબ્રીડ મોડમાં જે વર્ગ ચાલે તે વર્ગ દ્વારા ખાનગી કોલેજની ખૂબ ઓછી અને ગ્રાન્ટેડથી સામાન્ય ફી વધારો આપવામાં આવે. ત્યારબાદ  સિન્ડિકેટ બેઠકમાં ચર્ચા કરીને 8000 ફી નક્કી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ધારાસભ્ય અને સિન્ડિકેટ સભ્ય કૌશિક જૈન સિન્ડિકેટની બેઠકમાંથી બહાર આવ્યા ત્યારે તેમને ABVPના બહાર બેઠેલા કાર્યકરોને સાથ આપતા હોય તેમની સાથે જયશ્રી રામના નારા લગાવ્યા હતા. ABVPના કાર્યકરોને બાહેધરી આપી હતી કે, ફી ઓછી જ રાખવામાં આવશે. જો યુનિવર્સિટી ફી વધારે લેશે તો તે પણ વિરોધ કરશે. જે તે સમયે કૌશિક જૈને પણ ABVPનો સાથ આપ્યો હતો. આમ સિન્ડિકેટ સભ્યોના નિર્ણય અને ABVPના દબાણના કારણે યુનિવર્સિટીએ માત્ર 8000 ફી નક્કી કરી હતી.આમ કોલેજના સંચાલકોએ જે ફી માગી હતી એમાં 2000નો ઘટાડો કર્યો હતો, પરંતુ તે લો કોલેજોમાં સંચાલકોને મંજુર નથી. કોલેજ દ્વારા 10,000 ફી માંગવામાં આવી પરંતુ 8,000 ફી નક્કી કરવામાં આવતા કોલેજ દ્વાર પણ પીછે હઠ કરવામાં આવી હતી. ગ્રાન્ટેડ સાત લો કોલેજના સંચાલકો પ્રતિ સેમેસ્ટર દીઠ 10,000 રૂપિયામાં ભણવવા તૈયાર હતા. પરંતુ યુનિવર્સિટી દ્વારા માંગણી ન સ્વીકારતા હવે આ બેઠકનો લાભ પણ વિદ્યાર્થીઓને નહીં મળે, જેથી વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં 15,000 રૂપિયા જેટલી ફી ભરવી પડશે અથવા ખાનગી યુનિવર્સિટીમાં હજારો રૂપિયા ફી અથવા અન્ય જિલ્લા કે શહેરમાં અભ્યાસ કરવા જવું પડશે.

લોમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અગાઉ કોલેજની સીટ વધારે હતી તો એડમીશન સરળતાથી મળી જાય તેમ હતું. આ વર્ષે સીટ એટલી ઘટી ગઈ છે તો એડમિશન મળશે કે નહીં તે સવાલ છે. ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજમાં ના મળે તો પછી ખાનગી કોલેજમાં કે ખાનગી યુનિવર્સિટીમાં એડમીશન લેવુ પડશે. મેરીટ આવે ત્યારે ખબર પડશે કે એડમિશન મળશે કે નહીં.