અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એલએલબીની ગ્રાન્ટેડ કોલેજોની બેઠકોમાં આ વર્ષથી ઘટાડો કરાયો છે. બીજીબાજુ ખાનગી લો કોલેજોમાં વિદ્યાર્થીઓને વધુ ફી આપીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. આથી ગ્રાન્ટેડ લો કોલેજોમાં બેઠકો વધારવાની માગ સાથે એનએસયુઆઈ દ્વારા યુનિ.ભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે 3 વર્ષના LLBમાં ગ્રાન્ટેડ કોલેજની બેઠકમાં મોટી સંખ્યામાં ઘટાડો થયો હોવાના કારણે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં છે. જેથી યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા LLBની બેઠકમાં વધારો કરવા માંગ કરવામાં આવી છે. અમદાવાદમાં ચાલતી ગ્રાન્ટેડ કોલેજમાં LLBની 800થી વધુ બેઠક હતી જે આ વર્ષે ઘટાડી દેવાતા માત્ર 480 થઈ છે. બેઠકો ઘટતા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ખાનગી કોલેજની ફી પરવડે તેમ નથી. જેથી તેઓ ભણી શકતા નહીં હોવાથી ખાનગી ધોરણે ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ગ વધારો આપવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે LLB અંગે સિન્ડિકેટ બેઠક મળી ત્યારે ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સિન્ડીકેટ સભ્યોએ તેમજ યુનિવર્સિટીએ દબાણમાં આવીને કોલેજની ફી ખાનગી ધોરણે ચલાવવાના વર્ગની એક વિદ્યાર્થી દીઠ 8 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જોકે કોલેજ દ્વારા 10 હજાર રૂપિયા ફી માંગવામાં આવી હતી જે નહીં મળતા કોલેજ દ્વારા વર્ગ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો.આ અંગે આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ ડેપ્યુટી રજિસ્ટ્રારને બેઠકો વધારવા રજૂઆત કરી હતી.
યુથ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, અગાઉ ગ્રાન્ટેડ કોલેજની બેઠક વધારે હતી જે ઘટાડીને 480 કરી દેવામાં આવી છે. સરકારે ઈચ્છે તો બેઠક વધી શકે છે. મર્યાદિત બેઠક છે જેની સામે 8500 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છે છે. અમારી માંગ છે કે ગ્રાન્ટેડ કોલેજમાં બેઠકો વધારો કરવો જોઈએ.