Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આર્ટસ-કોમર્સ,સહિતની વિદ્યાશાખાઓમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે કાર્યક્રમ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ આખરે આર્ટ્સ-કોમર્સ, બીબીએ.બીસીએ, સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધો. 12નું પરિણામ જાહેર થયાને દિવસો વિત્યા બાદ ગુજરાત યુનિએ પ્રવેશની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ ઘણા દિવસથી પ્રવેશની રાહ જોઈ રહ્યા હતા. બીજા બાજુ ખાનગી યુનિવર્સિટીઓએ પ્રવેશનો પ્રારંભ  કરી દીધો હતો. ખાનગી યુનિવર્સિટીઓને લાભ અપાવવા ગુજરાત યુનિ. પ્રવેશની જાહેરાત કરતી ન હોવાના આક્ષેપો પણ થયા હતા. આખરે યુનિવર્સિટીના સત્તાધિશોએ પ્રથમ વર્ષમાં પ્રવેશની જાહેરાત કરતા વિદ્યાર્થીઓને રાહત થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12ના પરિણામ  બાદ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ 28 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ મેરીટ જાહેર થશે અને 20 જુલાઈથી સેમેસ્ટર -1ના વર્ગ શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા પ્રવેશ માટેનો જે કાર્યક્રમ  જાહેર કરવામાં આવ્યો છે. તેમાં  B.COM, BBA, BCA, BBA  સહિતની વિદ્યાશાખાઓમાં માટે  28 જૂન સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 4 જુલાઈએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે. અંતિમ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડ માટે કોલેજ એલોટમેન્ટ 12 જુલાઈએ કરવામાં આવશે. 12 અને 13 જુલાઈએ પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફીલિંગ કરાશે. 15 જુલાઈથી પ્રથમ રાઉન્ડ માટે કોલેજ એલોટમેન્ટ કરવામાં આવશે. 20 જુલાઈથી સેમેસ્ટર 1ના વર્ગ શરૂ થશે.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા જાહેર નહીં થતા શનિવારે NSUI અને ABVP દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. NSUI એ એડમિશન પ્રક્રિયા શરૂ ના થતા ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલ એક કાર્યક્રમમાં પહોંચીને વિરોધ કર્યો હતો અને તાત્કાલિક એડમિશન પ્રક્રિયા શરૂ ના થાય તો ઉગ્ર વિરોધની રજુઆત કરી હતી.જ્યારે ABVP એ શાંતિ પૂર્ણ રીતે રજુઆત કરી હતી.