Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીએ ઓન લાઈન પરીક્ષા માટે નિયમો જાહેર કર્યા, 50 માર્કના એમસીક્યુ રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાયું છે. યુનિવર્સિટીઓ દ્વારા પણ પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની સેમિસ્ટર 1ની  ઓનલાઈન પરીક્ષા આગામી તા. 28મી ફેબ્રુઆરીથી શરૂ થશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા ઓનલાઈન પરીક્ષાના ગુણભારની પણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઓનલાઈન પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓ વેબકેમ સાથેનું લેપટોપ, વેબકેમ સાથેનું ડેસ્ક ટોપ, સ્માર્ટ ફોન સહિતના ઈલેકટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ કરી શકશે.

ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 28મી ફેબ્રુઆરીથી શરૂ થતી ઓનલાઈન પરીક્ષા બહુવિકલ્પી (એમસીક્યુ) આધારિત રહેશે. ઓનલાઈન પરીક્ષા વધુમાં વધુ કુલ 50 ગુણની રહેશે. જે અંતર્ગત પ્રતિ પ્રશ્ન એક ગુણનો રહેશે અને આ એક પ્રશ્નનો ગુણ એક મિનિટમાં પ્રતિ પ્રશ્ન રહેશે. પરીક્ષામાં મેળવેલા ગુણ ઉપરથી પ્રમાણિત કરીને 70માંથી પ્રાપ્ત ગુણની ગણતરી કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ચાલુ થાય તે પહેલા, પરીક્ષા ચાલુ થવાના 20 મિનિટ પહેલા લોગ ઈન કરવાનું રહેશે. આ પરીક્ષા નિયત સમયપત્રકમાં દર્શાવેલ નિયત સમયે શરૂ થશે અને પૂર્ણ થશે. મોડા લોગ ઈન થનારને વધારાનો સમય મળશે નહી.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીઓ પાઠયપુસ્તક (ટેકસ્ટબુક) કે બહારના કોઈ પણ સ્ત્રોત દ્વારા મેળવેલી કોર્સ નોટનો ઉપયોગ કરી શકશે નહી. વધુમાં વધુ ઉમેદવારોની તસવીરનું સિસ્ટમ દ્વારા રેકોર્ડિંગ થાય છે. આ બાબત ઉમેદવારે ધ્યાનમાં રાખવાની રહેશે. આથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પોતાની જગ્યા ન છોડવા માટે સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે. આ પ્રકારની કોઈ પણ વર્તણૂકને તાત્કાલિક અસરથી ગેરવર્તન તરીકે રેકોર્ડ કરવામાં આવશે. પરીક્ષા સ્થગિત કરવામાં આવશે. ટ્રાયલ ટેસ્ટ, મોક ટેસ્ટ, ફાઈનલ ઓનલાઈન પરીક્ષા સમયે જો કોઈ મુશ્કેલી જણાય તો નામ, એનરોલમેન્ટ નંબર, મોબાઈલ નંબર અને મુશ્કેલી, વિસંગતતા જણાવતો ઈમેલ કરવાનો રહેશે.

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા 28મી ફેબ્રુઆરીએ શરૂ થાય તે પહેલા 25મી ફેબ્રુઆરીએ મોક ટેસ્ટ યોજવામાં આવશે. આ મોક ટેસ્ટ આપવી ફરજિયાત છે. આ મોક ટેસ્ટ આપી હશે તો જ 28મી ફેબ્રુઆરી,2022થી શરૂ થનાર ઓનલાઈન પરીક્ષા આપી શકશે. મોક ટેસ્ટ અને ફાઈનલ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.