Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી નિયમો વિરૂદ્ધ કાર્ય કરી શકે નહીઃ હાઈકોર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી નિયમો વિરુદ્ધ કાર્ય કરી શકે નહીં. યુનિવર્સિટી પોતાના અહંકારના સંતોષ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં. તેમ ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીઓની એક રિટની સુનાવણી દરમિયાન યુનિવર્સિટીના સત્તાધિશોને ખખડાવતા કહ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડીયન કલ્ચર વિષયમાં એમએમાં  ભણતા સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ના 34 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં કરાયેલી રિટમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે,  અમે વર્ષ 2024માં ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડિયન કલ્ચર વિષયમાં એડમિશન લીધું હતું. જેમાં સપ્ટેમ્બર 2024માં ગુજરાત યુનિવર્સિટીએ તેના વિષયો બદલી નાખ્યા હતા. ડિપાર્ટમેન્ટ અને ડિગ્રીનું નામ પણ બદલી નાખ્યું હતું. કોર્સનું નામ ‘ઇન્ડીયન કલ્ચર’ની જગ્યાએ બદલીને ‘ઇન્ડીયન કલ્ચર એન્ડ સાયન્સ’ કરવામાં આવ્યું હતું. એડમિશન લેતી વખતે વર્તમાન વિષયો ઇન્ડીયન કલ્ચરના અભ્યાસની અંદર ન હતા. નવા વિષયો નવા એકેડેમિક વર્ષથી દાખલ થવા જોઈએ. મધ્ય સત્રમાં નવા વિષયો દાખલ કરી શકાય નહીં, તે UGCના નિયમોની વિરુદ્ધ છે. વળી વિદ્યાર્થીઓએ ઇન્ડિયન કલ્ચર અભ્યાસમાં એડમિશન લીધું ત્યારે તે ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવતું હતું. તેની જગ્યાએ હવે તે ઇંગ્લિશમાં ભણાવવામાં આવે છે.

ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થી અરજદારોની રજૂઆત સાંભળીને યુનિવર્સિટીને ખખડાવી નાખી હતી. તેમજ પરીક્ષા ઉપર સ્ટે આપી દેવાની ચીમકી આપી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, યુનિવર્સિટી નિયમો વિરુદ્ધ કાર્ય કરી શકે નહીં. યુનિવર્સિટી પોતાના અહંકારના સંતોષ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં. દરમિયાન યુનિવર્સિટીએ જવાબ આપ્યો હતો કે, સેમેસ્ટર 3ના અભ્યાસક્રમમાં કોઈ પરિવર્તન કરાયું નથી કે તેનું નામ પણ બદલાયું નથી. વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં જવાબ આપી શકે છે. યુનિવર્સિટીએ ઇન્ડિયન કલ્ચરમાં M.A.ની ડિગ્રી અંતર્ગત સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ની પરીક્ષાની જાહેરાત કરી દીધી હોવાથી તેની ઉપર સ્ટે માટે અરજદારોએ અરજી કરી હતી.

હાઇકોર્ટે યુનિવર્સિટી પાસે ઇન્ડીયન કલ્ચર M.A.માં કોઈ ફેરફાર ન થયો હોવાની એફિડેવિટ માંગી હતી. જેથી યુનિવર્સિટીએ એફિડેવિટ કરી હતી કે, ત્રીજા સેમેસ્ટરમાં કોઈપણ ફેરફાર થયો નથી. જેથી ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ હતી. જ્યારે સેમેસ્ટર 1ની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી હતી. હવે પહેલા સેમેસ્ટરની પરીક્ષા હાઇકોર્ટની મંજૂરી બાદ જ યોજાશે. આ મુદ્દે વધુ સુનાવણી 18 નવેમ્બરના રોજ યોજાશે.