ગુજરાત યુનિવર્સિટીનો છબરડો, BSc સેમેસ્ટર-6ની પરીક્ષામાં શુક્રવારનું પેપર ગુરૂવારે અપાયું
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં ગુરૂવારે બીએસસી સેમેસ્ટર-6ની પરીક્ષામાં Angiosperms, plant an antomy, Advanced bio chemistry, Microbiology-308 નંબરનું પેપર હતું. તેના બદલે પરીક્ષાર્થીઓને શુક્રવારે જે વિષયની પરીક્ષા લેવાની હતી, તે Advanced Plant physiology, plant Breeding, molecular biology, biotechnology-309 વિષયનું પ્રશ્નપત્ર આપી દેવાતા ઘડીભર તો પરીક્ષાર્થીઓ મુંઝવણમાં મુકાય ગયા હતા. ત્યારબાદ પરીક્ષાર્થીઓએ રજૂઆત કરતા પરીક્ષા વિભાગે 1 કલાક બાદ હાથથી લખેલું નવું પેપર કાઢીને વિદ્યાર્થીઓને આપ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગુરૂવારે BSCની પરીક્ષામાં મોટો છબરડો સર્જાયો હતો. જે વિષયનું પેપર હતું એની જગ્યાએ બીજા દિવસે યોજાનારી પરીક્ષાનું પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યુ હતુ. પરીક્ષાર્થીઓની રજૂઆત બાદ પરીક્ષા વિભાગે એક કલાક બાદ હાથથી લખેલું નવું પેપર કાઢીને વિદ્યાર્થીઓને આપ્યું હતું. પરીક્ષા વિભાગે આ અંગે દોષનો ટોપલો પેપર સેન્ટર પર ઢોળ્યો હતો. અને જણાવ્યું હતું કે, 11 વાગ્યે પરીક્ષાર્થીઓના હાથમાં પેપર આવતા તેમણે રજૂઆત કરી હતી, જેથી વિદ્યાર્થીઓ પાસેથી પેપર પરત લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ 12:30 વાગ્યે પરીક્ષાર્થીઓને હાથથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું. 1:30 વાગે પૂરી થતી પરીક્ષા 2:30 વાગ્યે પૂરી કરવામાં આવી છે.
NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં એક બાદ એક છબરડાં સર્જાય રહ્યા છે. અગાઉ બીએસસીની ઉત્તરવહી ગુમ થઈ હતી. ત્યાર બાદ હવે પેપરમાં છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટી સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે. આ છબરડા અંગે યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ અને રાજીનામું લઈ લેવું જોઈએ.