ગુજરાત યુનિવર્સિટીમાં મુલાકાતીઓ માટે રજિસ્ટ્રરમાં એન્ટ્રી ફરજિયાત, વાહનો માટે સ્ટીકર સિસ્ટમ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નવા કૂલપતિએ કાર્યભાર સંભાળ્યા બાદ યુનિ.કેમ્પસ અને યુનિ.ની મુખ્ય વહિવટી કચેરીમાં શિસ્ત જળવાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હવેથી યુનિ.ના મુખ્ય ભવનમાં આવતા દરેક મુલાકાતીઓએ રજિસ્ટ્રરમાં ફરજિયાત એન્ટ્રી કરવી પડશે. નામ, સરનામું મોબાઈલ નંબર, કોને મળવાનું છે. અને એનું કારણ પણ લખવું પડશે. આ ઉપરાંત કેમ્પસમાં પ્રવેશતા વાહનો પર યુનિ.ના સ્ટીકર હશે તો જ પ્રવેશ અપાશે. યુનિ. દ્વારા કર્મચારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓને સ્ટીકરો આપવામાં આવ્યા છે. જેના અમલ માટે આ સપ્તાહથી ખાસ ડ્રાઇવ શરૂ થશે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ બહારના આવારા તત્વો માટેનો અડ્ડો બનતું જાય છે. કેટલાક નબીરાઓ સ્ટંટ કરતા હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. જેમાં જોખમી રીતે અડધો ડઝન કાર એક સાથે ચલાવવામાં આવી રહી હતી. આ બાબતની ગંભીરતા દાખવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક કેમ્પસમાં બિનજરૂરી આવતા વ્યક્તિઓના પ્રવેશ બંધ કરાવવા સ્ટીકર સિસ્ટમ શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જે વાહન પર સ્ટીકર હશે. તેવા વાહનોને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા ગૂગલ ફોર્મ તમામ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જેમાં વિભાગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રોફેસર, કર્મચારીઓ સહિત તમામની વિગત મેળવવામાં આવી હતી. ત્યાર બાદ તમામને સ્ટીકર લેવા આદેશ પણ કરવા આવ્યો હતો. આ સ્ટીકર તમામે પોતાના વાહન પર લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક વાહન સ્ટીકર સાથે જ યુનિવર્સિટીમાં પ્રવેશી રહ્યા છે. તમામ લોકો આ નિયમનું પાલન કરે તે માટે યુનિવર્સિટી દ્વારા ગેટ બંધ કરીને અંદર પ્રવેશવા માટે ડ્રાઇવ યોજાશે. જેમાં જે વાહન પર સ્ટીકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં નિયમિત કામ કરતા કર્મચારીઓ, પ્રોફેસર, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને સ્ટાફને આ નિયમનું પાલન કરવાનું રહેશે. તમામ લોકોએ પોતાના વાહન પર સ્ટીકર લગાવવાના રહેશે. જે વાહન પર સ્ટીકર ના હોય તે વાહન ચાલકોએ સ્ટીકર મેળવી લેવા જણાવાયું છે. સ્ટીકર મેળવ્યા બાદ ગુરુવારથી ગુજરાત યુનિવર્સિટીના 2 દરવાજા સિવાયના અન્ય દરવાજા બંધ કરવામાં આવશે. હોસ્ટેલ તરફથી આવતા ગેટ પર બેરિકેટિંગ કરવામાં આવશે. જેથી તે ગેટથી પ્રવેશ ના મેળવી શકાય. મુલાકાતીઓ માટે અત્યારે માત્ર એન્ટ્રી કરવાની રહેશે. મુલાકાતી પોતાનું વાહન લઇને આવે તેમને રજીસ્ટરમાં એન્ટ્રી કરીને અંદર પ્રવેશ મેળવવાનો રહેશે. મુલાકાતીઓ કયા કામથી કયા વિભાગમાં કોને મળવા આવ્યા તે તમામ વિગત ભરવાની રહેશે. ચાલી આવતા વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. ચાલી આવનાર વિદ્યાર્થીઓએ પોતાના આઇડી કાર્ડ સાથે રાખવાના રહેશે. જરૂર પડે આઇડી કાર્ડ પણ તપાસવામાં આવશે.