- કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય
- પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં કરાશે જાહેર
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ કોરોના વાયરસના વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ પરીક્ષાઓ અંગે આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ અને બીએડના પ્રથમ સેમિસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં તા. 12મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધી કોરોના ગાઈડલાઈન અનુસાર યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, અમદાવાદમાં જે રીતે કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સત્તાવાળાઓએ તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ જીપીએસસી દ્વારા સરકારી ભરતીની પરીક્ષામાં ફેરફાર કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે અને હાલ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં ધો-1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી ઉઠી છે. આ અંગે પણ સરકારે વિચારણા શરૂ કરી હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને પણ અસર પડી છે.