Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી બે મહિના થયા છતાં પણ હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી શકી નથીઃ NSUI

Social Share

અમદાવાદઃ ધારણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાણિજ્ય વિનિયન સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવીને પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ કાર્યવાહીનો આરંભ કર્યાને બે મહિના વિતી ગયા હોવા છતાંયે હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ નથી થઈ, બીજીબાજુ ઊંચીટાકવારી હોવા છતાં વિદ્યાર્થીઓ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. એવો આક્ષેપ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીની નીડ કમિટીની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજના વર્ગ તથા કોલેજની બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUIએ આક્ષેપ કર્યા હતો કે, યુનિવર્સિટી દ્વારા પોતાના મળતીયાઓને ખાનગી કોલેજમાં વર્ગ અને બેઠક વધારો કરી આપવામાં આવ્યો છે. NSUIના નેતા ભાવિક સોલંકીએ જણાવ્યું હતુ. કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષની જેમ જ ફરી એકવાર ધો.12ના પરિણામને બબ્બે મહિના વીતિ ગયા છતાં હજી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકતા નથી. છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમય થયો છતાં યુનિવર્સિટી, સત્તાધીશો સરળ અને ઝડપી પ્રવેશ પ્રક્રિયાની વ્યવસ્થા ગોઠવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. જેનો સીધો ફાયદો ખાનગી કોલેજોને થઈ રહ્યો છે. એક તરફ સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓના પ્રવેશની બેઠકો ખાલી અને બીજીબાજુ ઊંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજે પણ ખાનગી કોલેજ- યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવાની ફરજ પડી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો આડેધડ નિર્ણયો કરવામાં પંકાયેલા છે. કોલેજોની મંજુરી હોય, ફી વધારો હોય, વિદ્યાર્થીઓને દંડીત કરવાના હોય કે પછી પરીક્ષાઓમાં ગેરરીતિ-કૌભાંડનો મામલો હોય તે ગુજરાતની યુનિવર્સિટીઓની ઓળખ બની ગઈ છે. ત્યારે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાને આરે હોય, ખાનગી યુનિવર્સિટીઓને ઊંચી ફી ઉઘરાવીને મોટા ભાગના વિદ્યાર્થીઓને ભરી દીધા હોય. ત્યારે ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓના નામે સંચાલકોના ફાયદા માટે ‘નીડ’ના નામે ગોઠવણ બંધ કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મેરીટ ધરાવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે પ્રથમ પસંદગી એવા ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.સી.આઈ.ટી. અને એમ.બી.એ. અભ્યાસક્રમના શરૂઆતથી જ બેઠકોની સંખ્યા માગ પ્રમાણે વધારો કર્યો હોત તો આજે ઉંચા મેરીટ ધરાવતા સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં ઊંચી ફી એટલે કે દોઢ-દોઢ લાખ રૂપિયા જેટલી અધધ ફી ભરીને પ્રવેશ મેળવવા મજબુર થવુ ના પડત. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો નીડના નામે સંચાલકોના ફાયદા માટે ખોટા નિર્ણય કરવાનું ક્યારે બંધ કરશે.