અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિન્ટર સેમેસ્ટરની પરીક્ષા શરુ થવાની હતી, પરંતુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગામી સમયમાં વિગતવાર જાહેર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતભરના અનેક જિલ્લાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે ઓફલાઈન લેવી શક્ય નથી. જેને પગલે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં ઓફલાઈન પરીક્ષામાં કેન્દ્ર પર આવીને પરીક્ષા આપવાની રહેશે, જ્યારે ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થી પોતાના ઘરેથી પરીક્ષા આપી શકશે.આ પરીક્ષાને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. વિગતવાર પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી જાહેર કરશે, જે બાદ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે બાદમાં પરીક્ષા યોજવામાં આવશે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારે પણ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાની સુચના આપી છે, ત્યારે ઘણાબધા વિદ્યાર્થીઓએ યુનિ.ની પરીક્ષા ઓનલાઈન લેવા માટે રજુઆત કરી હતી. જ્યારે કેટલાક વિદ્યાર્થી ઓફલાઈન પરીક્ષા લેવાની માગ કરી રહ્યા હતા.આથી યુનિવર્સિટીના સત્તાધિશોએ ઓફલાઈન અને ઓનલાઈન એમ બન્ને પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે. કે, જીટીયુએ પણ આગામી તા. 20મી જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા કોરોનાને લઈને મલત્વી રાખવામાં આવી છે. રાજ્યની અન્ય યુનિવર્સિટીઓએ પણ પરીક્ષાઓ મુલત્વી રાખી છે. જ્યારે ગુજરાત યુનિએ બન્ને પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે પરીક્ષા ક્યારે લેવાશે તે અગે વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.