અમદાવાદઃ રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ કરી દેવાયો છે. હવે સરકારી યુનિવર્સિટીઓમાં કામનું ભારણ અને જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દરેક અધ્યાપકોને ફરજિયાત 200 ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. પરીક્ષા ટાણે જ કેટલાક અધ્યાપકો બહાનાબાજી કરતા હોય છે. તે હવે ચલાવી લેવામાં આવશે નહીં. પરીક્ષાની ઉત્તરવહીઓનું મુલ્યાંકન કરવું તે દરેક અધ્યાપકોની નૈતિક જવાબદારી છે. અને અધ્યાપકો તેમની ફરજ ચુકશે તો શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં પરીક્ષાઓનો એક તબક્કો પૂર્ણ થયો છે. અને હવે ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉત્તરવહી ચકાસણી માટે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના તમામ અધ્યાપકોને ઉત્તરવહી મુલ્યાંકનની જવાબદારી સોંપવામાં આવી છે. દર વર્ષે અધ્યાપકોને મુલ્યાંકનની કામગીરી સોંપવામાં આવતી હોય છે પરંતુ, અમુક અધ્યાપકો કોઈ બહાના બનાવી આ કામગીરીથી અંતર રાખતા હતા. ત્યારે આ વર્ષે યુનિવર્સિટી દ્વારા કોલેજોને જાણ કરવામાં આવી છે કે, કોઈપણ અધ્યાપક યુનિવર્સિટીની ઉત્તરવહી ચકાસણીની કામગીરીથી દૂર રહેશે અથવા તો બહાના બતાવશે તેની સામે ઉચ્ચ શિક્ષણ વિભાગને ફરિયાદ કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અધ્યાપકોએ દર વર્ષે નિયમ મુજબ પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી ચકાસણીની કામગીરી ફરજિયાતપણે કરવાની હોય છે. દરેક અધ્યાપકે 200 ઉત્તરવહી ચકાસવી ફરજીયાત છે. કોલેજના આચાર્યએ અધ્યાપકોને ઉત્તરવહી ચકાસણીની કામગીરી માટે મોકલવાના હોય છે.પરંતુ કેટલાક અધ્યાપકો ઉત્તરવહી ચકાસણીની કામગીરીમાં જવું ન પડે તે માટે અલગ અલગ બહાના બતાવીને કામગીરીથી દૂર રહેતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજોને જાણ કરવામાં આવી છે કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ અધ્યાપકોએ ફરજિયાતપણે ઉત્તરવહી ચકાસણી માટે હાજર રહેવું પડશે. અધ્યાપકો આ કામગીરીથી અળગા રહી ન શકે અથવા તો બહાના બતાવીને દૂર રહી ના શકે. અધ્યાપકો આ કામગીરી ના કરે તો તેમના વિરુદ્ધમાં ઉચ્ચ શિક્ષણ વિભાગને ફરિયાદ કરવામાં આવશે અને અધ્યાપકો સામે પગલાં પણ લેવામાં આવી શકે છે.