ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને 16 માર્ચની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર ચુકવશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગત તા. 16મી માર્ચના રોજ રાતના બહારના કેટલાક લોકોએ ઘૂંસી જઈને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરીને મોબાઈલ, લેપટોપ, સ્પીકર, એસી તથા વાહનને નુકસાન કર્યું હતુ. આ ઘટનાની વિદેશ મંત્રાલયે પણ નોંધ લીધી હતી. વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી વળતરની માંગ કરી હતી. આ વળતર આપવા યુનિવર્સિટી તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. આગામી એકથી બે દિવસમાં વિદેશી વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવશે.
આ બનાવની વિગતો એવી હતી કે, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ સાથે નમાજ બાબતે કેટલાક બહારના શખસોએ 16 માર્ચેના રોજ રાતના સમયે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. જેમાં વિદેશી વિદ્યાર્થીઓના રૂમમાં તથા પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓએ પોતાની સાથે થયેલા બનાવ અંગે પત્ર લખીને જણાવ્યું હતું કે, પોતે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં હતા ત્યારે હુમલાની ઘટના બની છે, જેથી તેમને જે નુકસાન થયું તે માટે વળતર ચૂકવવામાં આવે. 5 વિદ્યાર્થીઓના મોબાઈલ, લેપટોપ, સ્પીકર, એસી તથા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ તમામ વસ્તુઓ માટે 1,06,900 રૂપિયા તથા અન્ય એક લેપટોપ માટે 800 ડોલરના વળતરની માંગ કરી હતી. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓએ વળતર માટે જ માંગ કરી હતી, તે અંગે તપાસ કરીને વિદ્યાર્થીઓને વળતર આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે. આગામી 1થી 2 દિવસમાં વિદેશી વિદ્યાર્થીઓને થયેલા નુકસાન બદલ વળતર આપવામાં આવશે.