Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક, અનુસ્નાતકની પરીક્ષાઓ એપ્રિલ-મેમાં ત્રણ તબક્કામાં યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શાળા કોલેજોમાં માર્ચ-એપ્રિલથી પરીક્ષાની મોસમ ખીલી ઉઠશે. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 1થી 9ની પરીક્ષાઓ શાળા કક્ષાએ લેવાશે. જ્યારે કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પણ એપ્રિલ-મે દરમિયાન લેવાશે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેગ્યુલર સમર એક્ઝામ એપ્રિલ- મે મહિનામાં ત્રણ તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કામાં યુજી સેમેસ્ટર-6 અને પીજી સેમેસ્ટર-4ની પરીક્ષા સંભવત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આયોજિત કરાશે.  જ્યારે બીજા તબક્કાની યુજી સેમેસ્ટર-4ની પરીક્ષા એપ્રિલના ત્રીજા સપ્તાહમાં થશે. જ્યારે ત્રીજા તબક્કાની યુજી અને પીજી સેમેસ્ટર-2ની પરીક્ષા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાશે.

ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ યુનિ. દ્વારા વિવિધ પરીક્ષાની તારીખોની જાહેરાત આ સપ્તાહના અંત સુધીમાં કરાશે. પરીક્ષા વિભાગના ઉપક્રમે અમદાવાદ અને ગાંધીનગરનાં પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા યોજાશે. વિવિધ વિદ્યાશાખાની ગ્રેજ્યુએટ લેવલની સેમેસ્ટર-6ની પરીક્ષા પ્રથમ તબક્કામાં થશે. આ પરીક્ષા 100થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં 75 હજાર વિદ્યાર્થીઓ આપશે.આ પરીક્ષા 10 દિવસોમાં પૂર્ણ થશે. તે પછીથી 45 દિવસોની અંદર પરિણામો જાહેર કરવામાં આવશે. પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિ દ્વારા એપ્રિલ-મેમાં આયોજિત વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાની તારીખોની સત્તાવાર રીતે આ સપ્તાહમાં જાહેરાત કરાશે, જે મુજબ યુજી સેમેસ્ટર-6, પીજી સેમેસ્ટરની પરીક્ષા સંભવત: 4 એપ્રિલથી, યુજી સેમેસ્ટર-4ની પરીક્ષા 18 એપ્રિલથી, યુજી-પીજી સેમેસ્ટર-2ની પરીક્ષા ત્રીજી મેથી યોજવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.