Site icon Revoi.in

ગુજરાત યુનિ.ના સેનેટ અને સિન્ડિકેટ સભ્યોના સ્વાગત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરની નિમણૂંક કરવામાં આવી છે. નિમણૂંક થતાં જ આજે ABVPના કાર્યકરો અને નવા નિમણૂંક પામેલા સેનેટ વેલફેર અને સિન્ડિકેટ મેમ્બર હાજર રહ્યા. યુનિવર્સિટીમાં પ્રવેશતાની સાથે જ તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિની હાજરીમાં જ લોકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના 20 સેનેટ-વેલ્ફર અને સિન્ડિકેટ મેમ્બરની નિમણૂંક કરવામાં આવી હતી. નિમણૂંક કરાયા બાદ આજે કુલપતિ દ્વારા તમામને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશતાની સાથે જ સરસ્વતી માટેની પૂજા કરવામાં જ સભ્યો ભાન ભૂલ્યા હતા. જે બાદ એલ્યુમની રૂમમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ નાના રૂમમાં અનેક લોકો ભેગા થયા હતા. નિમણૂંક થયેલા સભ્યોની સાથે ABVPના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નિમણૂંક પામેલા સભ્યોને કુલપતિ દ્વારા નિમણૂંક પત્ર આપવામાં આવી રહ્યા હતા. ત્યારે નિયમ પ્રમાણે 2 ફૂટનું અંતર જાળવવાનું હોય છે તે પણ યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ જગદીશ ભાવસારે જાળવ્યું નહોતું. અત્યારે જાહેર કાર્યક્રમ કરવા મંજૂરી આપવામાં આવતી નથી. ત્યારે નિમણૂંક પત્ર માટે આવેલ સભ્યો સાથે મોટી સંખ્યામાં ABVPના કાર્યકરો હાજર રહ્યા હતા. બીજી તરફ જ્યારે યુનિવર્સિટીમાં કોઈ બાબતે વિદ્યાર્થી સંગઠન આવેદન પાત્ર આપવા આવે છે ત્યારે 5 સભ્યોથી વધુને પરવાનગી આપવામાં આવતી નથી ત્યારે નિમણૂંક પત્ર આપતા સમયે મોટી સંખ્યામાં કાર્યકરોને પ્રવેશ આપવા પરવાનગી કોણે આપી.હતી એવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.