ગુજરાતઃ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની હવે થશે ઓનલાઈન નોંધણી
અમદાવાદઃ રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોના કલ્યાણ માટે આધાર લીંન્કડ યુ-વીન સ્માર્ટ કાર્ડ અંતર્ગત આવા 10 લાખ શ્રમિકોની નોંધણી કરી વિવિધ લાભો તેમને મળે તેવી નેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યકત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આવા અસંગઠિત ક્ષેત્રના અને બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનનું ઇ-લોન્ચીંગ કર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આવા અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકો બાંધકામ શ્રમિકો સહિત 82 ટકા નાના-શ્રમિકોના પરિશ્રમના યોગદાનથી જ રાષ્ટ્ર-રાજ્યનો વિકાસ સંભવ બન્યો છે. ‘શ્રમ એવ જ્યતે’નો મહિમા મંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો છે ત્યારે શ્રમિકોના કલ્યાણની તેમના પરિવારના શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિતની ચિંતા કરવી એ સરકારની ફરજ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની ઓનલાઇન નોંધણી કરવાની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ કામગીરી પણ ઇન-હાઉસ GIPL દ્વારા કરવામાં આવી છે. ગુજરાતની ઔદ્યોગિક વિકાસ સહિતની વિકાસ યાત્રામાં લેબર પીસ-શ્રમિકોની શાંતિ, ઝિરો મેન ડેયઝ લોસ, તાળાબંધી કે હડતાળ વગરનું ગુજરાતની જે છબિ છે તેમાં સૌ શ્રમિકોનું મહત્વનું પ્રદાન છે. આવા સૌ શ્રમિકોના કલ્યાણની ચિંતા કરીને બેલેન્સ જળવાઇ રહે તેવા ભાવથી કામદારો-શ્રમિક વર્ગોના સર્વાંગી વિકાસ માટે યુ-વીન કાર્ડને આધાર સાથે જોડીને એક જ કાર્ડથી બધી યોજનાઓનો લાભ તેમને આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે. .