ગુજરાતઃ નવા શૈક્ષણિક વર્ષથી વૈદિક ગણિત દાખલ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં વૈદિક ગણિત દાખલ કરવાની રાજ્ય સરકારે જાહેર કરી છે. શાળાઓમાં તબક્કાવાર વૈદિક ગણિત દાખલ કરવામાં આવશે. વૈદિક ગણિત વિષય પર વિદ્યાર્થીઓની પકડ મજબૂત થશે અને વિષયને સમજવામાં પણ સરળતા રહેશે. તેમજ વૈદિક ગણિત વિદ્યાર્થીઓને ગણિતમાં રસ કેળવતુ થશે. તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈદિક ગણિત અંકગણિતની સમસ્યાઓ ઉકેલવા માટે એક સરળ અને ઝડપી રીત માનવામાં આવે છે. આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતની શાળાઓમાં દાખલ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2022-23 થી વર્ગ 6 થી 10માં તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે.
વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી અને શાળાના ભૂતપૂર્વ આચાર્ય કિરીટભાઇએ જણાવ્યું હતું કે, “આનાથી શાળાના વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની ક્ષમતામાં સુધારો થશે અને આંકડાકીય પ્રશ્નોને ઝડપથી ઉકેલવામાં મદદ મળશે. વૈદિક ગણિતના વિવિધ સૂત્રોનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ જટિલ રકમો કરવા માટે કેલ્ક્યુલેટર પર નિર્ભર રહેશે નહીં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, વૈકલ્પિક વિષય તરીકે વૈદિક ગણિત આપી શકાય છે. જો તમે તેને ફરજિયાત બનાવશો તો તે ફાયદાકારક સાબિત થશે નહીં. મને એવા કોઈ રાજ્યની ખબર નથી કે જેણે આ વિષયને નિયમિત અભ્યાસક્રમમાં સામેલ કર્યો હોય. તેને વૈકલ્પિક વિષય તરીકે સમાવવો જોઈએ.