ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં કૂલપતિના મુદ્દે રિસાયેલા ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા
અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિની નિમણૂકને લઈને ટ્રસ્ટીઓમાં વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વિવાદ વચ્ચે ગુજરાત વિદ્યાપીઠનો 68મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં પદભાર છોડનાર પૂર્વ કુલપતિ ઇલાબેન ભટ્ટ અને રાજીનામું આપનારા 8 ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા. કુલપતિની જગ્યાએ કુલસચિવ દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી. જોકે, નવનિયુક્ત કુલપતિ આચાર્ય દેવવ્રતે હજુ સુધી ચાર્જ લીધો નથી.
ગુજરાત વિદ્યાપીઠના 68માં પદવીદાન સમારોહમાં કૂલપતિની નિમણૂંકના મુદ્દે રિસાયેલા નવ જેટલા ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા.આ પદવીદાન સમારોહમાં 32 પીએચડી, 15 એમ.ફિલ, 415 અનુસ્નાતક, 410 સ્નાતક અને 56 અનુસ્નાતક ડિપ્લોમાની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ વિના જ પદવીદાન સમારોહ યોજાયો છે. જોકે આ વિવાદ વચ્ચે રાજીનામું આપનારા કુલપતિ ઇલાબેન ભટ્ટ બીમારીના કારણે આવ્યા નહોતા, જ્યારે નવ નિયુક્ત કુલપતિ આચાર્ય દેવવ્રતે આમંત્રણનો સ્વીકાર તો કર્યો, પરંતુ પદવીદાન સમારોહમાં હાજર રહ્યા નહતા.
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટી મંડળે જે કહ્યું તે અમે જણાવ્યું છે. સંવાદ મહત્વનો છે, નારાજ છે તેમની સાથે સંવાદ થશે. સારું થશે તેવી આશા સાથે અમે આગળ વધીશું. પૂર્વ કુલપતિની તબિયત નાદુરસ્ત છે, એટલે હાજર નથી રહ્યા. અન્ય સવાલનો જવાબ ન આપીને રાજેન્દ્ર ખીમાણીએ હાથ જોડીને જવાબ આપવાનું ટાળ્યું હતું.
ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેનારા નવલકાર રઘુવીર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ ટકશે, આ ગાંધીજીનો વારસો છે. કોંગ્રેસના ભાગ પડે પણ વિદ્યાપીઠના ભાગ ના પડે. નારાજ સભ્યોએ જે કહેવું છે એની સાથે એ સૌને સંમત કરે છે. જે સભ્યો હાજર નથી એ પણ મારા મિત્ર છે. આપણે આચાર્ય દેવવ્રત વિશે નથી જાણતા. હાલ એમના વિશે અભિપ્રાય આપવો યોગ્ય નથી. એ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા માણસ છે, હાલ થોડા સમયની રાહ જોવી જોઈએ. આવનારો સમય જ વધુ સ્પષ્ટતા કરી શકશે.