અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા મારફતે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને હળવી કરવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જો કે, ચોમાસામાં આવેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી છે. રાહતની વાત એ છે કે, આ વર્ષે ઉનાળાની ગરમીમાં રાજ્યમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીવત છે. નર્મદા ડેમમાં ઉનાળાના ગરમીના દિવસોમાં સમગ્ર રાજ્યમાં પાણી પુરુ પાડી શકાય એટલો જથ્થો હોવાનું જાણવા મળે છે. જેથી આગામી દિવસોમાં નર્મદા ડેમમાંથી વિવિધ ડેમ, તળાવ અને ચેકડેમો ભરીને સમગ્ર રાજ્યમાં પાણી પુરુ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી પુરુ પાડવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ભોપાલમાં બેઠક મળી હતી. જેમાં ડેમમાંથી ગુજરાતને ચાલુ વર્ષે 11.7 એમએએફ પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદાનું આ પાણી રાજ્યના વિવિધ ડેમ, ચેકડેમ અને તળાવોમાં પાણી ભરવામાં આવશે. નર્મદા ડેમની ઊંચાઇ વધારાયા બાદ ગુજરાતને પ્રથમવાર આટલી મોટી જળરાશિ મળવા જઇ રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે જળરાશિની વહેંચણી સહિતના મુદ્દે બનેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દર વર્ષે પાણી વહેંચણી અંગે નિર્ણય કરે છે. રે આ વર્ષે પણ ગુજરાતને ચાલુ વર્ષે 11.7 MAF પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા સુધીની પાણીની સમસ્યાનો ઉકેલ આવતા ગુજરાત પ્રશાસનની સાથે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને આ વર્ષે સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેથી ઉનાળામાં ખેડૂતોને પુરતુ પાણી મળવાનું હોવાથી ઉનાળુ પાકનું વાવેતર વધવાની શકયતા છે.