ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીએ ગાંધી વંદના કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નો ગાંધીજીનો મંત્ર દેશ ભરમાં સાકાર કરી ક્લીન ઇન્ડીયા મૂવમેન્ટ અને સ્વચ્છ ભારત 2.0 તેમજ અમૃત મિશન 2.0 નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈ કાલે પ્રારંભ કરાવ્યો છે. અમૃત મિશન 2.0 અને સ્વચ્છ ભારત મિશન-2નો જે શુભારંભ થયો છે તેમાં સ્વચ્છતા અને જળશક્તિના કામો – સાતત્યપૂર્ણ વિકાસ થકી ગુજરાત અગ્રેસર રહીને ગાંધીનું આ ગુજરાત નવી ઊંચાઈ સિદ્ધ કરશે.
ગાંધીજીના ગ્રામોત્થાન -સ્વચ્છતા મંત્ર સાર્થક કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વરાજ થી સુરાજ્યની સંકલ્પ સિદ્ધિ ગુજરાતના સંદર્ભમાં વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સર્વ સમાવેશક વિકાસયાત્રા આગળ ધપાવતા ગુજરાતમાં ‘સ્વચ્છ ભારત મિશન ફેઝ-2’ અંતર્ગત સસ્ટેઇનેબલ સેનિટેશન, ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર, સસ્ટેઇનેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ તેમજ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી એક જનઆંદોલનના રૂપમાં વિસ્તારવા આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું કે રાજ્યના હરેક નાગરિકે સ્વચ્છતા ને સહજ સ્વભાવ બનાવી સ્વચ્છ ભારત અભિયાન ના બીજા તબક્કા માં પણ ગુજરાતને આપણે અગ્રેસર રાખીએ. ક્લિન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ રાજ્યના દરેક ગામો, નગરો અને શહેરોમાં 31 ઓકટોબર સુધી ‘સ્વચ્છ ભારત – સુંદર ભારત’ અમૃત 2.0 અંતર્ગત 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો થશે.
અમૃત 2.0 મિશન’ હેઠળ તમામ અર્બન લોકલ બોડી (શહેરી સત્તામંડળ) અંતર્ગત આવતા ઘરોને નળથી પાણી આપવા, 31 અમૃત શહેરોમાં ઘરોને સુએજ-સેપ્ટેજ કનેક્શન આપવા, જળાશય અને કુવાઓનો જીર્ણોદ્ધાર ઉપરાંત વોટર સિક્યુરિટી, અર્બન પ્લાનિંગ અને માર્કેટ ફાઇનાન્સ મોબિલાઇઝેશન જેવા રિફોર્મ કરવામાં આવશે. અમૃત મિશન અંતર્ગત પ્રથમ તબક્કા માં ગુજરાતે દેશભરમાં ત્રીજા સ્થાન પર રહીને 2800 કરોડ રૂપિયાના ખર્ચે મહત્વપૂર્ણ 305 કામો પૂર્ણ કર્યા છે. 31 શહેરમાં પીવાનું શુધ્ધ પાણી પુરૂં પાડવા માટે 95 કામો પૂર્ણ કર્યા છે. આ કામોના ફળસ્વરૂપે એક લાખ સિત્તેર હજાર ઘરોમાં કનેક્શન પુરાં પાડ્યાં છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘અમૃત મિશન’ને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉમેર્યું હતું કે ગાંધીજીના સ્વચ્છતા ના વિચારો આજના પરિપ્રેક્ષ્યમાં એટલા જ રિલેવન્ટ છે. એટલું જ નહીં, યુવા પેઢીને આવનારી પેઢીને ગાંધી આચાર-વિચાર શાશ્વત મૂલ્યો આત્મસાત કરવાની પ્રેરણા આપતો આ દિવસ છે. ગાંધીજીએ ગ્રામીણ ઉત્થાન,અંત્યોદય વિકાસ અને અસ્પૃશ્યતા નિવારણનાજે કાર્યો ઉપાડેલા તે આજે સમરસ સમાજ અને સૌના સાથ સૌના વિકાસની નેમથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ સાકાર કરે છે. ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને વડાપ્રધાન એક સામાજીક અભિયાન તરીકે ઉપાડીને દેશભરમાં જાગૃતતા લાવવાનું કામ હાથ ધર્યુ, તે જોતજોતામાં વિરાટ જન અભિયાન બન્યુ છે.
આ તકે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇએ બરાબર સાત વર્ષ પહેલા ગાંધીજીના જન્મદિન–2 ઓક્ટોબર, 2014ના દિવસે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન છેડીને સ્વચ્છતાનો પૈગામ જનજન સુધી પહોંચાડ્યો હતો. મહાત્મા ગાંધીએ સ્વરાજ્ય અપાવ્યું-ગ્રામોત્થાન માટે દરિદ્રનારાયણના ઉત્થાન માટે આપણને માર્ગ ચિંધ્યો. તો વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સુરાજ્ય ની યાત્રા આરંભી છે.
સુદામાપુરી પોરબંદર માં જન્મેલા ગાંધી આજે પણ વિશ્વભરમાં પ્રસ્તુત છે તેની પ્રતિતિ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાતે દર વર્ષે લાખો પ્રવાસીઓ દેશ-વિદેશમાંથી આવી રહ્યા છે તેનાથી થાય છે. મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું કે પ્રવાસીઓને કીર્તિ મંદિર વિશેની માહિતી ઓનલાઇન મળી રહે તે માટે આજથી કીર્તિ મંદિરની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે.