અમદાવાદઃ રાજ્યમાં 75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યુવાનોમાં દેશભક્તિની ભાવના વધે તે ઈરાદાથી બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આ યાત્રા બોટાદ જિલ્લાથી અમદાવાદ તરફ જતી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કગાર્યકરો જોડાયાં હતા. દરમિયાન આ રેલીમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ બાઈક લઈને જોડાયાં હતા. આ બાઈક રેલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. આ રેલીમાં ચોંકાવનારી વાત એ છે કે, કેન્દ્રીય મંત્રી રૂપાલાની બાઈક ઉપર આગળની સાઈડમાં નંબર પ્લેટ ઉપર ગાડીનો નંબર જોવા મળ્યો ન હતો. તેમજ નંબર પ્લેટ ઉપર નંબરની જગ્યાએ 75માં આઝાદીના અમૃત મહોત્સવ લખેલુ હતું. જેથી લોકોમાં વિવિધ અટકગળો વહેતી થઈ છે. એટલું જ નહીં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકો પાસેથી દંડ ઉઘરાવનારી ટ્રાફિક પોલીસ કેન્દ્રીય મંત્રી સામે કાર્યવાહી કરશે તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના યુવાનોમાં દેશ ભક્તિ વધે તે માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં તા. 6 એપ્રિલથી બાઈકયાત્રાનો પ્રારંભ થયો હતો. બાઈક રેલી કર્ણાવતી મહાનગરથી પ્રસ્થાન થઈ હતી અને આશરે 20થી જિલ્લા-મહાનગરોમાં પસાર થઈ 1500 કિમીનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. યુવા મોરચાની બાઈક રેલી સુરત પૂર્ણ થશે અને આ યાત્રા 3500 કિમીનો પ્રવાસ કરશે. યાત્રા મારફતે યુવાનોને દેશ પ્રત્યે જાગૃતી લાવવા, દેશને આઝાદી અપાવવા જે યુવાનોએ બલીદાન આપ્યું છે તેમજ કોરોનાના કપરા કાળમાં જે વોરિયર્સએ જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલી આપી તેમના ઘરના પરિવારના સભ્યોને મળી શહિદોની માટી એકત્ર કરવામાં આવી છે. ભાજપની બાઈક રેલીમાં ભાજપના આગેવાન રૂપાલા ઉપરાંત અન્ય આગેવાનોની નંબર પ્લેટ ઉપર પણ નંબર લખેલો જોવા મળ્યો ન હતો. એટલું જ નહીં આ બાઈકની નંબર પ્લેટ ઉપર આઝાદી કા અમૃત મહોત્સવ અને બાઈક રેલીનો ઉલ્લેખ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો શું ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા આ રાજકીય આગેવાનોની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરાશે કે તે અંગે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.