પુંસરીઃ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે રાજયપાલની ઉપસ્થિતમાં પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ પરિસંવાદ યોજાયો હતો. જેમાં કૃષિકારો સાથે વાર્તાલાપ કરી રાજ્યપાલે તેમના અનુભવોની વિગતો મેળવી હતી. દરમિયાન રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવાશે. ખેડુતો રાસાયણિક ખેતિના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
તલાદ તાલુકાના પુંસરી ગામે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા પરિસંવાદમાં ખેડુતોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતુ કે રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે. એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે. ખેડૂતોને ઓર્ગેનિક (જૈવિક) ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલએ સમજાવ્યું હતુ.ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે. તેમ જણાવતાં રાજ્યપાલે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
તલોદ તાલુકાના પ્રગતિશીલ એવા પુંસરી ગામે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામરોટી સહિત અનેક સેવાકિય કામો કરવામાં આવે છે. ટ્રસ્ટને એક વર્ષ પૂર્ણ થતાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાત તબીબોએ ઉપસ્થિત રહીને દર્દીઓને નિદાન કરાયા હતા. ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકિય કાર્યોને સફળ બનાવવા માટે હંમેશા સંવેદનશીલ રહેતા નરેન્દ્રભાઈ પટેલ અને તેમના પરિવારનો મોટો ફાળો છે.