અમદાવાદઃ જુના વાહનોથી પ્રદુષણ વધતું હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા પોલીસી બનાવવામાં આવી છે.
જેમાં વાહનોની ફીટનેશ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઇઓનો અમલ કરવાની સુચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરી છે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોડ પર મુસાફરોની સલામતી જળવાય, પ્રદુષણની માત્રામાં ઘટાડો આવે અને રોડનો ઉપયોગ કરતાં વાહનોના ફીટનેશની કામગીરી સંપૂર્ણપણે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વિના થઇ શકે તે જરૂરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારે બહાર પાડેલી નોટીફીકેશનના અનુસંધાને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારની જોગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરી પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ માટે પીપીપી ધોરણે ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન સ્થાપવા માટે તમામ અરજદારોને સમાન તક આપવામાં આવશે. કેન્દ્રના ધારાધોરણ મુજબની લાયકાતો પરિપૂર્ણ કરતાં તમામને સ્ટેશનો સ્થાપવાની મંજુરી આપવામાં આવશે અને એક અરજદાર વધુમાં વધુ ૧૦ સ્ટેશન સ્થાપી શકશે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સરકારે ઉદાર અભિગમ દાખવી ટેસ્ટીંગની સંપૂર્ણ ફી સ્ટેશનનાં સંચાલકોને જ આપવાનો નિર્ણય કર્યો છે, જે આવા સ્ટેશનો સ્થાપવા માટે પ્રોત્સાહન પુરૂં પાડશે. સ્ટેશન સ્થાપવા માટે અરજદારોની વ્યથાને સમજી “પ્રિલિમનરી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ” મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરવા 6 માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજૂ કરવાની શરતી મંજૂરી આપવાનો અભિગમ રાજ્ય સરકારે દાખવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વાહનોના ટેસ્ટીંગ સ્ટેશન પર ટેસ્ટનાં બુકિંગ અને ફી સહિતની તમામ પ્રક્રિયા કેન્દ્ર સરકારની જોગવાઇઓ મુજબ ઓનલાઇન તેમજ નજીકનાં આર.ટી.ઓ – એ.આર. ટી.ઓ.ની દેખરેખ હેઠળ રહેશે. ફીટનેશ સ્ટેશન પરથી થયેલી ફીટનેશ પ્રત્યે જો નાગરિકોને કોઈ અસંતોષ હોય તો વાહન માલિક જે તે રિજિયનની આર.ટી.ઓ.-એ.આર.ટી.ઓ. કચેરીને અપીલ કરી શકશે અને સંપૂર્ણ પારદર્શી પ્રકિયા સાથે અરજદારને આ સુવિધા મળી રહેશે.
રાજ્ય સરકાર દ્વારા પ્રિલિમિનરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ થયાના 12 માસના સમયગાળામાં ઓટોમેટેડ ફિટનેશ સ્ટેશન કાર્યરત કરવાનુ રહેશે. આ ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન પર કામગીરી હેવી ગુડઝ વ્હીકલ અને હેવી પેસેન્જર વ્હીકલ માટે 1લી એપ્રિલ-2023થી તેમજ મીડીયમ ગુડ્ઝ, મીડીયમ પેસેન્જર અને લાઇટ મોટર વ્હીકલ માટે 1લી જૂન-2024થી શરુ થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેન્ટર શરુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે જોગવાઈઓ કરવામાં આવી છે તે મુજબ જરૂરી માળખાકીય સવલતો, અતિઆધુનિક સાધનોનાં સ્પેસીફીકેશન દ્રારા ફીટનેશની કામગીરી અને થનાર ટેસ્ટનાં ધારાધોરણ, સેન્ટર ચલાવવા માટે યોગ્ય લાયકાત ધરાવતો સ્ટાફ, સમગ્ર ફીટનેશની ઓનલાઇન પારદર્શી કાર્યપદ્ધતિ, સેન્ટરની સ્થાપના માટેના દસ્તાવેજો, ફી અને કાર્યપધ્ધતિ, સેન્ટરની કામગીરી પ્રત્યે અસંતોષના કિસ્સામાં અપીલની જોગવાઇ તેમજ લાંબાગાળા સુધી પારદર્શી પ્રક્રિયા જળવાઇ રહે તે માટે દર છ માસે કેન્દ્ર સરકારની માન્ય એજન્સીઓ દ્રારા ઓડીટ કરવામાં આવશે. ઓટોમેટેડ ફિટનેશ સ્ટેશન કોઈ પણ વ્યક્તિ ખોલી શકે છે તેવી જાહેરાત થઈ છે.