ગાંધીનગરઃ Ctrlsનું નવીન ‘ડેટા સેન્ટર’ ગુજરાતની ડિજિટલ ઈકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત ઝડપી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું છે ત્યારે તેમના વડાપ્રધાન તરીકે આગામી વર્ષ 2024થી ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વને ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવામાં ગુજરાત મહત્તમ પ્રદાન આપશે તેમ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘વાયબ્રન્ટ ડિજિટલ ગુજરાત’ને વધુ બળ આપવાના લક્ષ્ય સાથે એશિયાની પ્રતિષ્ઠિત કંપની CtrlS ગ્રુપના ગાંધીનગર-1 ‘ડેટા સેન્ટર’નું શુક્રવારે ગિફ્ટ સિટી- ગાંધીનગર ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તાજેતરમાં જ વડાપ્રધાને સુરત ખાતે વૈશ્વિક કક્ષાના ડાયમંડ બુર્સનો શુભારંભ કરાવ્યો છે. ભારતની મજબૂત અર્થવ્યવસ્થાના પરિણામે વિશ્વના અનેક દેશો રોકાણ સહિત અનેક ક્ષેત્રે ભારત સાથે જોડાવા તત્પર છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સ્થપાયેલા ગિફ્ટ સિટીમાં અત્યારે અનેક ફાઇનાન્સ-ટેક કંપનીઓ કાર્યરત છે, ત્યારે આગામી સમયમાં તૈયાર થનાર આ ડેટા સેન્ટર ખૂબ જ મહત્વનું પુરવાર થશે.
ગિફ્ટ સિટીને આગામી સમયમાં મેટ્રો ટ્રેન સહિતની ટ્રાન્સપોર્ટ સુવિધાઓથી જોડવામાં આવશે તેમ,જણાવી મુખ્યમંત્રીએ નવીન ડેટા સેન્ટરને ગુજરાતમાં આવકારીને રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.
CtrlS ગ્રુપના ડાયરેક્ટર રાજીવ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગથી અમે ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર થકી નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. CtrlS ગ્રુપ ભારતના 7 શહેરોમાં 12 ડેટા સેન્ટર ધરાવે છે. આગામી છ વર્ષમાં કંપની AI અને ડેટા ક્ષેત્રે અંદાજે બે મિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા કંપની પોતાનું મહત્તમ પ્રદાન આપશે.
CtrlS ગ્રુપના ડાયરેક્ટર અને નિવૃત્ત મેજર જનરલ વિક્રમસિંઘે આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે, CtrlS અને Cloud4Cના CIO અનિલ નામા સહિત ટેકનોલોજી ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.