ગુજરાતમાં માર્ચ મહિનો રહેશે ગરમ, તાપમાનનો પારો 38થી 40 ડિગ્રી સુધી પહોંચશે
અમદાવાદઃ ગુજરાતમાં હાલ રાતના ઠંડી અને બપોરના સમયે ગરમી એક લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જો કે, અમદાવાદ સહિત રાજ્યભરની પ્રજા માટે ઉનાળા દિવસો આકરા રહેવાની શકયતા છે. ફેબ્રુઆરીના અંતમાં જ ગરમીનો પ્રારંભ થવાની સાથે ઉનાળામાં રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી ગરમીનો પારો ચડે તેવી શકયતાઓ હવામાન શાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. આમ માર્ચ મહિનાના આરંભ સાથે જ ગુજરાતમાં ગરમીનો પારો ધીમે-ધીમે ચડવાની શરૂઆત થશે.
હવામાન શાસ્ત્રીઓના મતે ઉત્તર ભારતમાં હીમ વર્ષાને પગલે ઠંડા પવન ફુંકાશે. જો કે, 4 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને વિદર્ભના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જશે. સુરત, પંચમહાલ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં મહત્તમ તાપમાન ઉચકાશે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. તા.7 માર્ચથી 9 માર્ચ સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હવામાન પલટાશે. માર્ચ આવતા-આવતા ગરમીનું પ્રમાણ વધવાનું શરુ થઈ ગયું છે. પાછલા વર્ષે લોકડાઉનના કારણે વાહન અને ફેક્ટરી સહિતના પ્રદૂષણ ફેલાવતી જગ્યાઓ બંધ હોવાના કારણે ગરમીનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હતું. પરંતુ આ વર્ષે ગરમી વધારે દઝાડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
રાજ્યમાં ચાલુ વર્ષે ઉનાળાનું વેકેશન ટુંકુ રાખવાનો સરકારે નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીઓમાં બાળકોને સ્કૂલ જવાનું હોવાથી વાલીઓ પણ ચિંતામાં મુકાયાં છે. સરકાર ગરમીને ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણ અને વેકેશન અંગે શું રસ્તો નીકાળે છે તે જોવુ રહ્યું.