અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાના બે મહિના વિતી ગયા, ફાગણ અને ચૈત્ર મહિનામાં એકંદરે માવઠાભર્યું વાતાવરણને કારણે અસહ્ય ગરમી વેઠવી પડી નથી પણ હવે ક્રમશઃ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી સપ્તાહમાં એટલે કે કાલે સોમવારથી શનિવાર સુધી તાપમાનમાં વધારો થશે. અને તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. અમદાવાદમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા કાલથી બે દિવસ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શહેરના લાકોને બપોરના સમયે કામ વિના બહાર ન નિકળવા અને ગરમીથી બચવા માટે તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે.
ગુજરાતમાં માવઠાનું જોર ઘટ્યું છે અને ગરમી પોતાના તેવર બતાવી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આ અઠવાડિયામાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચશે. અમદાવાદ મ્યુનિ દ્વારા 17 અને 18 તારીખના રોજ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, સૂકા અને ગરમ પવનના કારણે ત્રણ દિવસથી રાજ્યનાં મોટાભાગના શહેરોમાં ગરમીમાં વધારો થઇ રહ્યો છે. આ અઠવાડિયામાં પણ મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન એકથી બે ડિગ્રી વધશે. જેના કારણે અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે. 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 38થી 40 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.