Site icon Revoi.in

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ સાથે 3 દિવસ સામાન્ય ઠંડી અનુભવાશે, માર્ચમાં માવઠાની આગાહી

Social Share

અમદાવાદઃ ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરમાં ફરી વતાવરણમાં પલટો આવ્યો છે. અને આગામી ત્રણ દિવસ વાદળછાંયા વાતાવરણ વચ્ચે લોકો ઠંડીનો ચમકારો અનુભવશે.એવી રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી તા. 29 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ત્રણ દિવસ વાદળછાંયા વાતાવરણને લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તેના લીધે લોકો ઠંડીનો ચમકારો અનુભવશે. જો કે ઠંડીનો છેલ્લો રાઉન્ડ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ એક સપ્તાહ સુધી રાજ્યભરમાં વાતાવરણ સુકુ રહેશે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. તદુપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણ સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાત પર આવતાં પવન ઉત્તર અને ઉત્તર પૂર્વીય દિશા તરફથી આવી રહ્યાં છે. તેથી લઘુત્તમ તાપમાનમાં ત્રણ દિવસ બાદ વધારો થાય તેવી શક્યતાઓ છે. અગાઉ ત્રણ દિવસ પહેલા પવનની દિશા પશ્ચિમને બદલે ઉત્તર તરફથી હોવાને કારણે બે દિવસ દરમિયાન ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ફરીથી પવનની દિશા બદલાઈને ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી થઇ હોવાને લીધે ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારો અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ 10થી 15 કિલોમીટર પ્રતિ-કલાકની રહેશે.

હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલના કહેવા મુજબ હાલ સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો સામનો કરી રહ્યું છે. સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે જ્યારે દિવસભર ગરમીનો અહેસાસ થયા છે. ત્યાં હવે બેવડીની સાથે ત્રેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની  શક્યતા છે. તા. 29 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ભારે પવન સાથે માવઠું પડી શકે છે.છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે.  હવામાનની પેટર્ન. સંકેતો આપે છે કે, ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે માવઠું પડી શકે છે. જેમાં આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે.