અમદાવાદ: ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનને લીધે ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું છે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ત્યારે કાલે શનિવારથી ઠંડીમાં આંશિક ઘટાડો થશે. જોકે બે-ચાર દિવસ થોડી રાહત રહ્યા બાદ ફરીવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે શુક્રવારે લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. અને આવતી કાલે શનિવારે પણ ઠંડીમાં થોડો ઘટાડો થશે. જોકે બે-ચાર દિવસ રાહત રહ્યા બાદ ફરીવાર કડકડતી ઠંડીનું મોજું ફરી વળશે. રાજ્યનાં ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 11થી 14 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ વખતે નલિયામાં 2 ડીગ્રી સાથે 12 વર્ષના રેકોર્ડ તોડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આગામી બે દિવસ હજુ 2થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત છે. બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. ગુરૂવારે રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટમાં 11થી 12 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. પંચમહાલમાં વેગીલા પવનને લઈ પાવાગઢ ખાતે રોપ વે સેવા સતત બીજા દિવસે પણ બંધ રહી હતી. બે દિવસથી સતત પવન ફૂંકાતા રોપ વે સંચાલકોએ યાત્રિકોની સલામતીને ધ્યાનમાં મોટો નિર્ણય લીધો હતો. માઉન્ટ આબુમાં માઇનસ પરથી શુક્રવારે 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ પ્રવાસીઓ ઠંડીની મોજ માણી રહ્યાં છે. તો બીજી બાજુ વધતી ઠંડીને કારણે રાજ્યભરના જનજીવન પર અસર થઈ છે. જોકે, ઠંડીમાં ઘટાડો નોંધાતા હાલ લોકો રાહત અનુભવી રહ્યા છે.
રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં આગામી બે દિવસ હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે. હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાતમાં થર થર કંપાવતી ઠંડી પડી રહી છે.