અમદાવાદઃ રાજ્યમાં સામાન્ય રીતે ઉત્તરાણ બાદ ક્રમશઃ ઠંડીનું જોર ઘટતું જતું હોય છે. પણ આ વર્ષે ફેબ્રુઆરીના પ્રારંભે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વહેલી સવારે ગાઢ ઘૂમ્મસ સર્જાયું હતું. દરમિયાન હવામાન વિભાગે ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે.આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગે 3જી ફેબ્રુઆરી બાદ ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતુ અને ઘટતુ જઇ રહ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ગયો છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં સવારે ઝાકળ વર્ષા પણ થઈ હતી. દરમિયાન આજે બુધવારે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી હતી. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે સવારે હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા ઉપર રહેતાં ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાના કારણે 57 દિવસ બાદ દિવસનું તાપમાન 30 અને રાત્રીનું તાપમાન 15 ડિગ્રી પાર પહોંચ્યું હતું. પલટાયેલા વાતાવરણના કારણે માત્ર 24 કલાકમાં રાત્રીનું તાપમાન 4 ડિગ્રી સુધી ઉંચકાતાં મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 14.1 થી 15.6 ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે કાતિલ ઠંડીથી આખરે રાહત મળી હતી.