Site icon Revoi.in

ગુજરાતમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડશે, 13મીથી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. અને માર્ચના પ્રારંભે તો રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો વધીને 37 ડિગ્રી વટાવી ગયો હતો. ત્યારબાદ વાતાવરણમાં પલટો આપતા રાજ્યના ઘણાબધા વિસ્તારોમાં ભર ફાગણે અષાઢી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ પડતાં રવિપાકને પણ સારૂએવું નુકશાન થયું હતું.  છેલ્લા બે દિવસથી ફરીવાર તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જાય છે. અને હજુ બે દિવસ અસહ્ય તાપમાન વેઠ્યા બાદ ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. એટલે કે, 13મી માર્ચથી આકાશ વાદળછાંયુ બન્યા બાદ કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે.

ગુજરાતમાં આજે  શુક્વારે હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જેમાં કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં તાપમાનમાં વધારો થશે. કચ્છમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે  ભુંજ અને કંડલામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે.  ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વાતાવરણમા આવેલા પલટાને કારણે માવઠું થયુ હતું. જેને કારણે ઠંડક અનુભવાઈ હતી. હવે વાતાવરણમાં ફરી પલટો આવવાની શક્યતા છે. ત્યારબાદ એટલે કે 18મી માર્ચ બાદ તાપમાનમાં વધારો થશે. ખાસ કરીને કચ્છમાં સૌથી વધુ ગરમી પડશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. ત્યારબાદ આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થશે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી પણ કરાઈ છે. આજે અને આવતીકાલે તાપમાનમાં વધારો થશે. આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. આ વખતે હોલીના દિવશે જ કમોસમી વરસાદ પડ્યો હતો. હવે ફરીવાર 13મી માર્ચથી 18મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ હજુ બે ત્રણ દિવસ અસહ્ય તાપમાન વેઠવું પડશે.