Site icon Revoi.in

ગુજરાતમાં હજુ બે દિવસ અસહ્ય ગરમી સહન કરવી પડશે, અમદાવાદમાં 46 ડીગ્રી તાપમાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આગામી બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ હજુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની સંભાવના છે. 13 અને 14 મે સુધી અમદાવા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને મ્યુનિ.કોર્પોરેશને  પણ શહેરીજનોને સાવચેત કર્યા છે.

ગુજરાતભરમાં આકાશમાંથી અંગારા ઓકતી કાળઝાળ ગરમી પડી રહી છે. અસહ્ય ગરમીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. અમદાવાદ સહિત મહાનગરો રીતસર અગનભઠ્ઠી બની ગયા છે. બુધવારે  અમદાવાદમાં તાપમાનનો પારો 47 ડીગ્રીને પાર થઈ ગયો હતો. જ્યારે ગુરૂવારે પણ ગરમીનો પારો 46 ડીગ્રીએ પહોંચ્યો હતો.. હજુ પણ બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રીથી વધુ જ રહેવાનો અંદાજ છે. આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ત્રણ દિવસ બાદ આવી ગરમીથી આંશિક રાહત મળશે એવી હવામાન વિભાગની આગાહી છે.

આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવી અનુભૂતિ ગુજરાતના લોકો કરી રહ્યા છે અમદાવાદ ડીસા અને ગાંધીનગરમાં તો મહત્તમ તાપમાન નો પારો 45 ડિગ્રીને પાર કરી ગયું છે ભડકે બળતા ગુજરાતમાં જાણે ઘી હોમાતું હોય તેમ હજુ આગામી બે દિવસ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટ વેવનુ યેલો એલર્ટ હવામાન ખાતાએ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ગુરૂવાર સવારથી કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પ્રતિ કલાકના 40 થી 60 કિલોમીટરની ઝડપે દરિયામાં પવન રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર ગતિએ પવન સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું છે. સુરતમાં 89 દ્વારકામાં 87 ભુજમાં 91 અને વેરાવળમાં 95% ભેજ પ્રમાણ નોંધાયું હતું.

હવામાન વિભાગની એક ખાનગી એજન્સીના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે અને હવે તેના કારણે વાતાવરણમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અમુક સ્થળોએ વાદળીયું વાતાવરણ જોવા મળે અને ક્યાંક માવઠું થાય તો પણ નવાઈ નહીં તેવી સંભાવના છે.