અમદાવાદઃ ગુજરાતમાંથી મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. જોકે આગામી બે દિવસ છૂટા-છવાયા વરસાદના ઝાપટાં પડવાની આગાહી છે. આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. અને સિઝનનો સરેરાશ 102 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ થવાથી પાણીની આવક પણ વધુ થઈ છે. જેનાથી આવતા વર્ષ સુધી ખેતી અને પીવાલાયક પાણીનો પુરતો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ થયો છે. હાલ રાજ્યમાં 207 જળાશયોમાં 85 ટકા પાણીનો સંગ્રહ છે. બીજી તરફ નળકાંઠા સહિતના 132 ગામોના ખેડૂતોની સિંચાઇના પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક મળી હતી. જેમાં નળકાંઠાના 32 ‘નો સોર્સ વિલેજ’નો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં 90.15 ટકા, બનાસકાંઠામાં 70.44 ટકા, મહેસાણામાં 95.72 ટકા અન સાબરકાંઠામાં 81.16 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં 71.55 ટકા, દાહોદમાં 60.21 ટકા, ખેડામા 55.06 ટકા, મહિસાગરમાં 99.40 ટકા, પંચમહાલમાં 46.69 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પાણીની સ્થિતિ જોઈએ તો, ભરૂચ 100.00 ટકા, નર્મદા 77.60 ટકા, નવસારી 100.00 ટકા, સુરત 88.96 ટકા, તાપી 78.99 ટકા, વલસાડમાં 71.51% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત કચ્છમાં 71.93 ટકા પાણી હોવાથી હવે તંગીની અસર રહેશે નહીં. સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીનો જથ્થો સારોએવો સંગ્રહ થયો છે, જેમાં અમરેલીમાં 75.70 ટકા , ભાવનગરમાં 73.90 ટકા, દ્વારકામાં 71.41 ટકા, ગીર સોમનાથમાં 97.67 ટકા, જામનગરમાં 77.66 ટકા, જૂનાગઢમાં 84.27 ટકા, રાજકોટમાં 84.83 ટકા અને સુરેન્દ્રનગરમાં 35.80 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ગુજરાતમાં સારો વરસાદ થવાથી તમામ જળાશયોમાં પાણીની સારી આવક થવા પામી છે. જેથી રાજ્યમાં 207 ડેમમાંથી 99 ડેમ હાલમાં હાઈએલર્ટ પર છે. જેમાં 90 ટકાથી વધુ પાણી ભરાયેલું છે. તે ઉપરાંત 80થી 90 ટકા સુધી ભરાયેલા 22 ડેમ એલર્ટ પર છે. તેમજ 70થી 80 ટકા વચ્ચે ભરાયેલા 13 ડેમ હાલમાં વોર્નિંગ પર છે. જ્યારે 72 ડેમ એવા છે જ્યાં 70 ટકા કરતાં ઓછો પાણીનો જથ્થો છે.
રાજયમાં હાલ ભારે વરસાદ નહી પડે. પરંતુ સામાન્ય અને છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જયારે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વરસાદની શકયતા છે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો હોવાથી ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. અત્યાર સુધી રાજયમાં સીઝનનો સરેરાશ 34 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં અમરેલી ભરૂચ, દાહોદ,છોટા ઉદેપુર ડાંગમાં પણ વરસાદ પડી શકે છે.