અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. એટલે કે કારતક મહિનાને 14 દિવસ બાકી રહ્યા છે. ચોમાસું પણ વિદાય લઈ રહ્યું છે. ત્યારે હાલ ગરમી-ઠંડી મિશ્રિત ઋતુ અનુભવાઈ રહી છે. ડબલ ઋતૂને કારણે વાયરલ બિમારીના કેસ વધવાની પણ શક્યતા છે.
રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય સાથે હવે કમોસમી વરસાદ સંભાવના નહીવત રહી છે. જો કે હવામાન વિભાગ દ્વારા વાદળછાયું વાતાવરણની આગાહી કરવામાં આવી છે. સાથે જ ગરમીનો પારો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ લોકોને બેવડી ઋુતુંનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય તો થઇ ચુકી હતી. પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. તેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી ગયો હતો.
રાજ્યના હવામાન વિભાગે ચોમાસાની ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ હોવાનું જાહેર કરાયું છે, પરંતુ રાજ્યમાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી અનેક જિલ્લામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડી રહ્યા છે. સોમવારે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તેથી મગફળી અને કપાસના પાકને નુકસાન થયુ હોવાનું ખેડુતો કહી રહ્યા છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે હાલ અમદાવાદ સહિત મહાનગરોમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુ અનુભવાઈ રહી છે. રાત્રે પંખા તો ચાલુ રાખવા જ પડે છે. મોડી રાત્રે થોડી ઠંડી અનુભવાઈ રહી છે. જ્યારે બપોરે વાતાવરણમાં થોડી ગરમી અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. દિવાળી સુધી આવું વાતાવરણ રહેશે. અને કારતક મહિનાના પ્રારંભથી ક્રમશઃ ઠંડીમાં વધારો થશે.