Site icon Revoi.in

ગુજરાતમાં ધો-9થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા હવે સ્કૂલ-કોલેજોમાં વર્ગો શરૂ કરવાની દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આગામી તા. 8મી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંકટ થોડુ હળવુ થતા સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તાજેતરમાં જ ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં તબક્કાવાર સ્કૂલમાં અન્ય વર્ગો શરૂ કરવામાં આવશે. દરમિયાન રાજ્ય સરકારે કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

હવે તા. 8મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ કોલેજ સંચાલકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્ટેલમાં પણ એક જ રૂમમાં બેથી વધારે વિદ્યાર્થીઓને નહીં રાખવા સૂચના આપવામાં આવી છે. સરકારે અગાઉ ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવાની સાથે ખાનગી ટ્યુસન સંચાલકોને પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ ધો-1થી 8ના વર્ગો સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યાં નથી. બાળકોને હજુ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે માસપ્રમોસનની માંગણી ઉઠી હતી. જો કે, સરકારે માસપ્રમોસનનો ઈન્કાર કરીને જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હશે એટલા જ અભ્યાસક્રમની પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા પણ ધો-10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા. 10મી મેના રોજ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે.