ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે અનેક લોકોને રોજગારીની તકો આપવા સાથે પ્રવાસનને પણ વેગ આપ્યું : નાણા મંત્રી
અમદાવાદઃ ગાંધીનગર ખાતે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાયેલા સમારોહમાં નાણા મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ 46 જેટલી કેટેગરીમાં આશરે 181 કલાકાર-કસબીઓને ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે.
આ પ્રસંગ્રે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતી ચલચિત્રો અને તેની સાથે સંકળાયેલા નિર્માતાઓ-કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ફિલ્મ ઉદ્યોગને પ્રવાસન સાથે સાંકળીનેસરકારે ગત વર્ષે જ ગુજરાતની સૌપ્રથમ ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’ અમલમાં મૂકી છે. ગુજરાતી ફિલ્મો પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવી રાજ્ય સરકારે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે મજબૂત ઇકો સિસ્ટમ ઉભી કરવા માટે ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ વિકાસ કર્યો છે. જેના પરિણામે આજે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માત્ર આજીવિકાનું સાધન નહિ, પણ અનેક લોકોને ફિલ્મ ઉદ્યોગ સાથે સાંકળીને રોજગારીની નવી તકો આપવા સાથે રાજ્યના પ્રવાસનને પણ વેગ આપી રહ્યું છે.
મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે રહેલી વિપુલ તકોના કારણે આજે અન્ય પ્રદેશોના ફિલ્મ નિર્માતાઓ ગુજરાત તરફ આકર્ષિત થયા છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મોએ રાષ્ટ્રીય સ્તરે નેશનલ એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્કાર જેવા ખ્યાતનામ પુરસ્કારો સુધી પહોંચીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મો માત્ર મનોરંજન તરીકે જ નહિ, પણ અહીની સંસ્કારી ભૂમિ પર જન્મેલા મહાનાયકોના સંઘર્ષ અને સિદ્ધિઓને પણ ફિલ્મના રૂપેરી પડદે ઉજાગર કરવા સૌ ફિલ્મ નિર્માતાઓને તેમણે આહ્વાન કર્યું હતું.