1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતી ભાષા દિવસઃ કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપનાનો સરકારનો નિર્ણય
ગુજરાતી ભાષા દિવસઃ કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપનાનો સરકારનો નિર્ણય

ગુજરાતી ભાષા દિવસઃ કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપનાનો સરકારનો નિર્ણય

0
Social Share

અમદાવાદઃ ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ ‘નર્મદ’ના જન્મદિવસે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ગહન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત કરવાની દિશામાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આપણા અમૂલ્ય વારસા સાથે સંકળાયેલા ગુજરાતના મધ્યકાલીન કવિઓની હસ્તપ્રતો અને રચનાઓને સંરક્ષિત કરવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ₹ 15 કરોડના ખર્ચે જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિસરમાં પાંચ એકર વિસ્તારમાં આ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરી 2024માં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે સંશોધન કેન્દ્રના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષ 2025ના અંત સુધીમાં આ કેન્દ્રની કામગીરી પૂર્ણ થશે.

  • મધ્યકાલીન યુગની હજારો રચનાઓ તારવવામાં આવી

આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપતા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ ભાગ્યેશ જ્હાએ જણાવ્યું કે, “મધ્યકાળમાં જેટલું કામ ગુજરાતી ભાષામાં થયું છે, તેટલું કોઈ ભારતીય ભાષાઓમાં નથી થયું. એ કામ બહાર લાવવું ખૂબ જ જરૂરી છે. એ સમયના નરસિંહ મહેતા, મીરાંબાઇ, પ્રેમાનંદ, ભાલણ, અખો, દયારામ, ગંગાસતી-પાનબાઇ સહિતના કવિઓ અને ભક્તોનો એક સમૃદ્ધ વારસો છે. મધ્યકાલીન યુગની જ વાત કરીએ તો અત્યાર સુધી અલગ અલગ હજારો રચનાઓ અમે તારવી છે. આ સંશોધન કેન્દ્રના માધ્યમથી તે પદો ઉકેલીને તેનું યોગ્ય અર્થઘટન કરવામાં આવશે અને વર્તમાન સાપેક્ષમાં તેને રજૂ કરવામાં આવશે જેથી તે વર્તમાન અને ભવિષ્યની પેઢી સુધી પહોંચે.” 

  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મ્યુઝીયમ બનશે

આ સંશોધન કેન્દ્રમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મ્યુઝીયમ બનાવવામાં આવશે. આ મ્યુઝીયમમાં મધ્યકાલીન હસ્તપ્રતો અને તેની રેપ્લિકાઓ, વર્ચ્યુઅલ રિયાલીટીના માધ્યમથી સાહિત્ય અને કૃતિ – કર્તાનું નિદર્શન, સાહિત્યકારોના જીવનકવન તેમજ મધ્યકાલીન પુસ્તકોને ડિજીટલ તથા ઓડિયો અને વીડિઓ સ્વરૂપે દર્શાવવામાં આવશે. ભારતમાં કોઈ ભાષાના  આદિકવિનું આધુનિક મ્યુઝીયમ નથી. આ દૃષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મ્યુઝીયમ આ પ્રકારનું પ્રથમ મ્યુઝીયમ હશે. આ ઉપરાંત આ કેન્દ્રમાં સંશોધન કક્ષ, ઈ લાઈબ્રેરી, ગ્રંથ મંદિર અને ઓડીટોરીયમનું પણ નિર્માણ કરવામાં આવશે.

  • યુવાનો માટે ‘કાફેમાં કવિતા’

આજના સમયમાં યુવાનોને ગુજરાતી સાહિત્ય તરફ આકર્ષિત કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના માર્ગદર્શન હેઠળ કાફેમાં કવિતા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવે આ નવી પહેલ વિશે જણાવતા કહ્યું કે, “સામાન્ય રીતે આજના યુવાનો કાફેમાં ઘણો સમય પસાર કરતા હોય છે. તેથી અમે વિચાર્યું કે સાહિત્યને જ યુવાનો સુધી લઇ જઇએ. એટલા માટે ‘કાફેમાં કવિતા’ કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમ રાજ્યના અલગ અલગ શહેરોમાં થાય છે અને યુવાનો તેમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code